અફઘાનિસ્તાનમાં હજારો તાલિબાની સામે 3 લાખ અફઘાન સૈનિકો કેવી રીતે હારી ગયા ?

0
14

નાણાપ્રધાન રહી ચૂકેલા ખાલિદ પાયેન્દાએ જણાવ્યું હતું કે, કેવી રીતે ત્રણ લાખથી વધુ સૈનિકો સાથે અફઘાન સેનાને કેટલાક હજાર તાલિબાનોએ હાર આપી હતી

તાલિબાને ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાન  પર કબજો કર્યો હતો. આ બાદ અનેક સવાલ ઉઠયા હતા. અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા પછી દરેકના મનમાં એક પ્રશ્ન ઊભો થયો હતો કે ત્રણ લાખથી વધુ સૈનિકો સાથેનું લશ્કર થોડા હજાર તાલિબાન સામે કેવી રીતે હારી ગયું? આ બાદ આખરે સત્ય સામે આવી ગયું છે.

અશરફ ગની સરકારમાં નાણા મંત્રી રહેલા ખાલિદ પાયેન્દાએ ઘટસ્ફોટ કર્યા હતા કે, અફઘાન સૈનિકોની સંખ્યા ખરેખર કાગળ પર હતી તેના કરતા ઘણી ઓછી હતી. આ જ કારણ હતું કે તાલિબાનના લડવૈયાઓએ થોડા જ દિવસોમાં દેશ પર કબજો કરી લીધો હતો.

એક મીડિયા સાથેની વાતચીમાં જણાવ્યું હતું કે, ખાલિદ પાયેન્દાએ અફઘાનિસ્તાનની ચૂંટાયેલી સરકારની હાર માટે ભ્રષ્ટ લશ્કરી અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે ભ્રષ્ટ અધિકારીઓએ સરકાર અને દેશને છેતર્યા છે. તેણે કાગળ પર ત્રણ લાખથી વધુ સૈનિકોની ફોજ ઊભી કરી. જ્યારે વાસ્તવિકતા તેનાથી સાવ અલગ હતી. આ ‘ભૂતિયા સૈનિકો’ના પૈસા જનરલોના ખિસ્સામાં જતા રહ્યા અને આ સિવાય તેઓ તાલિબાન પાસેથી પણ પૈસા લેતા રહ્યા.

પૂર્વ નાણામંત્રીએ આ સાથે એ પણ જણાવ્યું હતું કે, માત્ર સેના જ નહીં, પોલીસના મામલામાં પણ આવું જ થયું છે. દેશ વિરુદ્ધ ષડયંત્ર અને ભ્રષ્ટાચારની આદતના કારણે ઉચ્ચ અધિકારીઓએ બતાવ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનને હરાવવા માટે પૂરતી શક્તિ છે. તેમણે કહ્યું કે આ સમગ્ર રમત ટોચના સેનાપતિઓના ઈશારે કરવામાં આવી હતી. જે સૈનિકો વાસ્તવમાં હાજર ન હતા તેઓને કાગળ પર બતાવવામાં આવ્યા અને તેમના પગારથી ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સા ભરાયા હતા.

ખાલિદ પાયેન્દાએ કહ્યું કે જો અધિકારીઓના દાવાઓની સત્યતા જાણવાના પ્રયાસો કરવામાં આવ્યા હોત તો કદાચ સ્થિતિ આજે અલગ હોત અને તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો કરી શક્યું ના હોત. તેમના મતે, અફઘાનિસ્તાનમાં ભાગ્યે જ 40,000 થી 50,000 સૈનિકો હતા. જે કાગળ પર 3 લાખથી વધુ બતાવવામાં આવ્યા હતા.

તાલિબાને થોડા જ દિવસોમાં અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. આ પછી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની પણ ટીકા થઈ હતી, કારણ કે તેમણે કહ્યું હતું કે અફઘાન સેના અન્ય દેશોની સેના જેટલી જ મજબૂત છે અને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી તે જાણે છે.