અમદાવાદમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં મેયર સહિત સિનિયર નેતાઓના નામ ગાયબ, વિવાદ થતા નવી પત્રિકા છપાવી

0
13

શહેર ભાજપ અને પ્રદેશ ભાજપના નેતાઓ, મેયર સહિત કેટલાક નેતાઓની અવગણના કરતા હોવાની ચર્ચાને વેગ મળતા વિવાદ

રાજકોટમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં આગેવાનોના નામો લખવાના વિવાદ બાદ હવે અમદાવાદમાં પણ આવો જ વિવાદ ઉભો થયો હતો. અમદાવાદ શહેર ભાજપ દ્વારા રવિવારે સાંજે રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાવાનો છે. જેની આમંત્રણ પત્રિકામાં અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર કિરીટ પરમાર સહિતના સાંસદો અને સિનિયર આગેવાનોના નામની જ બાદબાકી કરાઈ હતી. જેને લઇ ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં મેયર તેમજ સિનિયર નેતાઓની કોઈ ગણના ન થતી હોવાની ચર્ચા થતી જણાતી હતી. કેટલાક નેતા અને કાર્યકરોએ ઉચ્ચ નેતાઓનું ધ્યાન દોરતા આખરે મેયર સહિતનાના નામવાળી નવી આમંત્રણ પત્રિકા તાત્કાલિક છાપી દેવાઈ છે.

શહેર ભાજપના નેતાઓ અને સ્થાનિક નેતાઓ દ્વારા ભાજપના જ દલિત કોર્પોરેટર અને શહેરના પ્રથમ નાગરિક મેયરની અવગણના કરવામાં આવે છે. કોર્પોરેશનમાં પણ ભાજપના પ્રભારી તેમજ બે નેતાઓ ભેગા મળી અને નિર્ણય લે છે અને મેયર અને ડેપ્યુટી મેયરની અવગણના કરાતી હોવાનો વિવાદ પણ થોડા દિવસ પહેલા સામે આવ્યો હતો. આ અગાઉ અનેક વખત ભાજપ સમર્થિત દલિત નેતાઓ તેમજ પદાધિકારીઓના નામ ભૂલી જવાયા હતા. આ ઘટનાને પગલે ભાજપના જ કેટલાક નેતાઓ ચર્ચા કરી રહ્યાં છે કે આપણા જ નેતાઓ વારંવાર આપણી અવગણના કરી રહ્યાં છે. સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના જ સાંસદોના નામ પણ ન લખવામાં આવતા ચર્ચા થઈ હતી.