અમદાવાદ-મુંબઈ હાઇવે પર સુવિધાઓ માત્ર કાગળ પર

0
17

હાઇવે પરના એસઓએસ બૉક્સ, ટોલ-ફ્રી નંબરનાં બોર્ડ જેવી અનેક લાઇફ સેવિંગ સુવિધાઓ છે રામભરોસે

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઈવે પર મનોરથી ચારોટી નાકા સુધીના વિસ્તારમાં અકસ્માતના ઘણા કિસ્સાઓ બનતા હોવા છતાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને નવા પગલાં લેવાનું તો દૂરની વાત છે, પણ ઇમરજન્સી માટે જે સુવિધાઓ મૂકવામાં આવી હતી એ પણ ચાલતી નથી.
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે ક્રમાંક-૮ પર બનતા અકસ્માત અને અન્ય બનાવોની માહિતી નાગરિકો સુધી પહોંચાડતા અને દુર્ઘટના વખતે મદદ કરવા આવનાર દહાણુ, પાલઘરના નાગરિકોનું એમએચ૪૮ હાઇવે ઇન્ફર્મેશન ગ્રુપ ખૂબ સક્રિય રીતે કામકાજ કરે છે. આ ગ્રુપના સભ્ય હરબન્સ સિંહ નાનાડેએ આ વિશે માહિતી આપતાં ​જણાવ્યું હતું કે ‘અમુક વખતે હાઇવે પર એક નાની એવી માહિતી પણ ખૂબ મદદે આવી જતી હોય છે. હાલમાં તો અકસ્માતનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે, પરંતુ અહીંના હાઇવે પર પ્રવાસીઓની સુવિધા માટે રાખવામાં આવેલા એસઓએસની સુવિધા લાંબા સમયથી બંધ પડેલી છે. અકસ્માત જેવી પરિસ્થિતિમાં એસઓએસ બૉક્સમાં જે ફોન હોય એના પર એક જ બટન દબાવીએ તો સીધો કૉલ સેન્ટરમાં ફોન જતો હોય છે. જો દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિ બોલવાની સ્થિતિમાં ન હોય કે પછી કોઈને લોકેશન ધ્યાનમાં ન હોય તો એમાં જીપીએસની સુવિધા હોવાથી કૉલ સેન્ટરમાં એ લોકેશન મળી જાય છે જે ખૂબ મહત્ત્વ ધરાવે છે. હાઇવે પર આ સુવિધા ખૂબ અગત્યની હોય છે, પરંતુ એ વર્ષોથી બંધ પડેલી છે. મનોરથી ચારોટીના અંતરમાં લેનની બન્ને બાજુએ ૧૨ એસઓએસ બૉક્સ છે, પરંતુ એક પણ ચાલી રહ્યાં નથી.’
હરબન્સ સિંહ નાનાડેએ વધુમાં કહ્યું હતું કે ‘હાઇવે પર દર કિલોમીટરમાં બન્ને લેન વચ્ચે ૧૦૩૩ ટોલ-ફ્રી ઇમર્જન્સી હેલ્પલાઇન નંબરનાં બોર્ડ લગાડવામાં આવ્યાં હતાં, પરંતુ અમારા હાઇવેની બાજુએ આ નંબર લાગતો જ નથી તેમ જ ૨૦ કિલોમીટરના અંતરે મોટા ભાગનાં બોર્ડ ગાયબ થઈ ગયાં છે જેથી એ સુવિધા પણ લોકો લઈ શકતા નથી. હાઇવે પર એક નાની મદદ પણ લોકોને નવજીવન આપી શકે એમ છે. છતાં ક્રેઇન્સ, પૅટ્રોલિંગ કે એસઓએસ બૉક્સ જેવી સુવિધાઓ પર ધ્યાન અપાતું નથી. અમે ફરિયાદ કરતાં બોર્ડ ચોરી થઈ જાય છે એવું કહેવાયું હતું. તો પછી હાઇવે પર રહેલાં બૅરિકેડ્સ, રોડ ફર્નિચર (લેફ્ટ-રાઇટ સાઇનનાં બોર્ડ), ગામનાં નામ હોય એવાં બોર્ડ વગેરે કેમ ચોરી થતાં નથી?’
ટોલ પોસ્ટ પર મેડિકલ એઇડ પોસ્ટ તો ફક્ત નામની જ છે એમ કહેતાં તેમણે કહ્યું હતું કે ‘આઇઆરબીના હાઇવે પર લગાડેલા ફ્રી સર્વિસના બોર્ડ પર ફાયર-બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને ઍમ્બ્યુલન્સના નંબર લખેલા હોય છે. એમાં ઍમ્બ્યુલન્સમાં કૉન્ટ્રૅક્ટરની કે પછી ઑથોરિટીની સર્વિસના નંબરને બદલે લોકલ ફ્રી સર્વિસ આપતી સામાજિક સંસ્થાની ઍમ્બ્યુલન્સના નંબર હતા. એ વિશે અમે વિરોધ કરતાં એ નંબર હાલમાં બદલવામાં આવ્યો છે, પરંતુ આજે પણ વધુ પડતી એ જ સામાજિક સંસ્થાની ઍમ્બ્યુલન્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ટોલ પોસ્ટ પર મેડિકલ એઇડ પોસ્ટ જરૂરી છે જેથી અકસ્માત થતાં લોકોને પહેલાં ત્યાં લઈ જઈને પ્રાથમિક સારવાર આપવામાં આવે. જોકે ટોલ પોસ્ટને ત્યાં એવી કોઈ સુવિધા ન હોવાથી સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવે છે. એ વિશે અમે પૂછતાં કહેવાય છે કે ડૉક્ટરો નથી એવાં બહાનાંઓ આપવામાં આવે છે. એક પ્રાઇવેટ કંપનીને ટોલ પોસ્ટની ત્યાં ફૂડ આઉટલેટ આપવામાં આવ્યું છે. જો એ કૉન્ટ્રૅક્ટ પર અપાયું છે તો મેડિકલ એઇડ પોસ્ટની સુવિધા કૉન્ટ્રૅક્ટ પર કેમ અપાઈ રહી નથી? નાગરિકોને ખાસ કરીને હાઇવે પર સુવિધાઓની ખૂબ જરૂર છે એટલે અમે એ વિશે સતત લડી રહ્યા છીએ અને એના પર ધ્યાન આપવું અતિ આવશ્યક છે.’