અમેરિકાની મહિલાએ પાંચ ભારતીય બાળકીને દત્તક લીધી

0
25

અમેરિકાનાં ૫૧ વર્ષનાં ક્રિસ્ટીન વિલિયમ્સ નામનાં મહિલા ભારતની પાંચ બાળકીઓનાં મમ્મી છે. ૧૨ વર્ષ પહેલાં તેમણે શરૂ કરેલું બાળકીઓને ‘અનાથ’માંથી ‘દીકરી’ બનાવવાનું અભિયાન આજે એક આગવા મુકામે પહોંચ્યું છે.
૩૯ વર્ષની ઉંમરે ક્રિસ્ટીનને લાગ્યું કે લગ્ન નથી કર્યાં તો શું થયું, મારે માતા બનવાનાં લહાવાથી વંચિત ન રહેવું જોઈએ. બસ, પછી તો તેમણે દત્તક લેવા માટેની શોધ આદરી. સિંગલ મધર હોવાથી તેમને બહુ પ્રાથમિકતા ન મળી એટલે તેમણે નેપાલમાં પ્રયાસ કર્યો. ત્યાંના બાળકને અમેરિકાની એજન્સીએ મંજૂરી ન આપી. અંતે ભારતમાંથી એક દિવ્યાંગ બાળકીને દત્તક લેવાની તેમને તક મળી, એ તેમણે હરખભેર ઝડપી લીધી. ૨૦૧૩ના વૅલેન્ટાઇન્સ ડેના દિવસે મુન્ની તેમના ઘરે આવી અને ત્યાર પછી બન્ને વચ્ચે સતત પ્રેમ વધતો ગયો. શરૂઆતમાં ક્રિસ્ટીનના પિતા ખુશ નહોતા, પણ ક્રિસ્ટીનને આને માટે આર્થિક જરૂર પડી ત્યારે પિતાએ જ તેને મદદ કરી. એ પછી ક્રિસ્ટીનને થયું કે મુન્નીને એકલી-એકલી મોટી થવામાં મુશ્કેલી પડશે. થોડાં જ વર્ષમાં ક્રિસ્ટીને રૂપા નામની બીજી નાનકડી બાળકીને દત્તક લીધી, જેને નાકની તકલીફ હતી. જોકે ઘરે આવ્યા પછી રૂપા અને મુન્ની એકમેકમાં ઓતપ્રોત થઈ ગઈ અને એ બન્નેમાં ક્રિસ્ટીન. પછીનાં બે વર્ષમાં મોહિની અને સોનાલીને પણ ક્રિસ્ટીને દત્તક લીધી અને તેમની એક જ તમન્ના રહી કે જેટલી વધારે છોકરીઓને તે અનાથમાંથી દીકરી બનાવી શકે
તેટલીને બનાવવી. આ માટે તેમણે મોટું ઘર પણ લીધું અને બેવડી મહેનત કરી વધુ ને વધુ કમાણી કરવામાં પણ પરોવાયાં. છેલ્લે ૨૦૨૦માં તેમણે સ્નિગ્ધા નામની દીકરીને દત્તક લીધી છે અને હાલમાં તેઓ પાંચ દીકરીઓનાં ગૌરવશાળી મમ્મી હોવાનો આનંદ માણી રહ્યાં છે.