અમેરિકામાં કોરોનાએ સાત લાખ લોકોના જીવ લીધા

0
24
download-38.jpg

કેસ અને મૃતકોની સંખ્યા મામલે અમેરિકા પહેલાં નંબરે: સાડા ત્રણ મહિનામાં જ વધુ એક લાખના મોત: એક સપ્તાહ પહેલાં દરરોજ બે હજાર મોત થઈ રહ્યા હતા જે હવે 1900 થયા છે

અમેરિકનો  માનતાં જ નથી, હજુ પણ સાર્વજનિક સ્થળો પર માસ્ક નથી પહેરતાં, વેક્સિન નથી લેતાં

અમેરિકામાં કોરોનાથી મોતનો આંકડો હવે સાત લાખને પાર પહોંચી ગયો છે. કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહેલા આ દેશમાં વેક્સિનેશન છતાં છેલ્લા એક સપ્તાહમાં દરરોજ બે હજાર લોકો મોતને ભેટ્યા છે. કોરોનાના કેસ અને મૃતકોની સંખ્યામાં અમેરિકા અત્યારે પહેલાં નંબરે છે. અહીં દુનિયાભરના 19% કોરોનાના કેસ છે તો 14% મોત પણ આ જ દેશમાં થવા પામ્યા છે.

ન્યુઝ એજન્સી રોયટર્સના આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોનાથી મોતનો આંકડો ટૂંક સમયમાં 50 લાખને પાર જતો રહેશે. દુનિયામાં અત્યારે કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટે કહેર મચાવ્યો છે. સપ્ટેમ્બર મધ્યમાં ડેલ્ટા વેરિયેન્ટના કેસ 1,17,625ના પોતાના સૌથી ઉચ્ચત્તમ સ્તર (પીક)થી નીચે આવી ચૂક્યા છે આમ છતાં અમેરિકા સહિત અનેક દેશોમાં સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. અમેરિકામાં મૃતકોનો આંકડો છ લાખથી સાત લાખ પહોંચવામાં માત્ર સાડા ત્રણ મહિનાનો સમય લાગ્યો છે.

જો કે વેક્સિનેશન વધવાની સાથે હવે સ્થિતિ નિયંત્રણમાં આવતી દેખાય છે. અહીં સપ્ટેમ્બરની શરૂઆતમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 93 હજાર સુધી પહોંચી ગઈ હતી. જો કે હવે આ આંકડો 75 હજારને પાર આવી ગયો છે. સંક્રમિતોનો સરેરાશ આંકડો પણ પ્રતિ દિવસ 1,12,000 ઉપર છે. પાછલા અઢી સપ્તાહમાં સંક્રમિતોની સંખ્યામાં આ લગભગ એક તૃતિયાંશનો ઘટાડો છે. ડેલ્ટા વેરિયેન્ટના ઓછા થઈ રહેલા પ્રભાવ બાદ રાહતનો શ્વાસ લઈ રહેલા અમેરિકામાં કોવિડથી મોતનો આંકડો 7 લાખને પાર કરી ગયો છે. એક રીતે જોવા જઈએ તો અમેરિકામાં બોસ્ટનની વસતીથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

તાજેતરમાં જ રાષ્ટ્રપતિ જો બાયડને પણ વેક્સિન લેવાથી ઈનકાર કરી રહેલા લોકોને આડેહાથ લીધા હતા. જો કે દેશમાં દરરોજ થઈ રહેલા સરેરાશ મોતની સંખ્યામાં થોડો ઘટાડો પણ જોવા મળ્યો છે. સપ્તાહ પહેલાં સરેરાશ બે હજાર મોત દરરોજ થઈ રહ્યા હતા જે હવે ઘટીને 1900એ આવી ગયા છે. રાષ્ટ્રીય સ્તરે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં આ આંકડો 93 હજાર પર હતો જે હવે 75 હજારની આસપાસ આવી ગયો છે. કેસ ઘટવાનું મોટું કારણ માસ્ક અને વધુમાં વધુ લોકોને વેક્સિનેશન છે. સરકારના ટોચના ડૉક્ટર એન્થોની ફાઉચીએ કહ્યું કે આ સારાસમાચાર છે કે આપણે કેસ ઘટતાં જોઈ રહ્યા છીએ.

જો કે લોકોએ વેક્સિન લેવી અત્યંત જરૂરી બની જાય છે. યુનિવર્સિટી ઑફ વોશિંગ્ટન દ્વારા અનુમાન વ્યક્ત કરાયું છે કે નવા કેસ ફરી વધશે પરંતુ વેક્સિનની સુરક્ષા અને સંક્રમણ બાદ આવેલી ઈમ્યુનિટી વધુ મોત થવા દેશે નહીં. જો કે એવી ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે કે 1 જાન્યુઆરી સુધી 90 હજાર વધુ મોત થઈ શકે છે અને ત્યાં સુધીમાં મોતનો કુલ આંકડો 7 લાખ 88 હજાર સુધી જઈ શકે છે. જો લોકો સાર્વજનિક જગ્યાઓ ઉપર માસ્ક પહેરશે તો મોત અટકાવી શકાય છે.