આગામી આદેશ સુધી શાળા-કૉલેજ બંધ, સરકારી વિભાગમાં સોટકા વર્ક ફ્રોમ હોમ

0
19

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના ગંભીર સ્તરને કારણે આગામી આદેશ સુધી શાળાઓ અને કૉલેજોને બંધ કરી દેવામાં આવી છે.

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના ગંભીર સ્તરને કારણે આગામી આદેશ સુધી શાળાઓ અને કૉલેજોને બંધ કરી દેવામાં આવી છે. તેમ જ સરકારી વિભાગમાં 100 ટકા વર્ક ફ્રોમ હોમ (WFH) લાગુ કરવામાં આવ્યું છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે “દેશની રાજધાનીમાં 21 નવેમ્બર સુધી બાંધકામના કામો પર પ્રતિબંધ રહેશે, સાથે જ સરકારી વિભાગોમાં 100% વર્ક ફ્રોમ હોમ રહેશે. અહીં આવશ્યક સેવાઓ સિવાયની ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવતી કાલથી દિલ્હીમાં 1000 CNG ખાનગી બસો ભાડે લેવામાં આવશે. DDMA પાસે મેટ્રો અને બસમાં ઊભા રહીને મુસાફરી કરવા માટે પરવાનગી માગવામાં આવી છે.

ગોપાલ રાયના જણાવ્યા અનુસાર “દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ, 15 વર્ષ જૂના વાહનોની યાદી દિલ્હી પોલીસને સોંપવામાં આવી છે. ત્યાં વાહનોના પ્રદૂષણ પ્રમાણપત્રની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. દિલ્હીમાં 372 પાણીના ટેન્કરોનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ફાયર બ્રિગેડની મદદથી 13 હોટ સ્પોટ પર પાણીનો છંટકાવ કરવામાં આવશે. દિલ્હીમાં ગેસ સિવાયના ઉદ્યોગો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, સાથે જ ટ્રાફિક પોલીસને ટ્રાફિકને રોકવાના આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં બગડતી હવાની ગુણવત્તા માટે કેન્દ્ર અને દિલ્હી સરકારની ઝાટકણી કાઢી છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટમાં, કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે પરાળ સળગાવવાથી માત્ર 10 ટકા ધુમાડો રાજધાનીમાં ગંભીર પ્રદૂષણમાં ફાળો આપે છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે “વાયુ પ્રદૂષણમાં ઉદ્યોગ અને રસ્તાની ધૂળ મુખ્ય ભૂમિકા ભજવે છે. આના પર જસ્ટિસ સૂર્યકાંતે કેન્દ્રને પૂછ્યું કે “શું તમે સૈદ્ધાંતિક રીતે સંમત છો કે પરાળ સળગાવવાનું મુખ્ય કારણ નથી અને આ “આક્રોશ” વૈજ્ઞાનિક અને કાયદાકીય આધાર વગરનો હતો. જ્યારે કેન્દ્રના વકીલે આ સ્વીકાર્યું, ત્યારે ન્યાયાધીશે કહ્યું કે “દિલ્હી સરકારના એફિડેવિટનો કોઈ અર્થ નથી.” કારણ કે તેઓ “ફક્ત ખેડૂતોને દોષી ઠેરવે છે.”