આજે એક દિપક ભારતીય જવાનોની વીરતા, ત્યાગ અને તપસ્યાના નામે પ્રગટાવાશે-વડાપ્રધાન મોદી

0
24

નૌશેરામાં ભારતીય જવાનો સાથે દિપાવલી મનાવતા વડાપ્રધાન: સર્જીકલ સ્ટ્રાઈકમાં નૌશેરા બ્રિગેડની બહાદુરીનો ઉલ્લેખ કર્યો,કહ્યુ-જવાનો જ મારો પરિવાર છે અને મારા પરિવાર વચ્ચે આવ્યો છું

કાશ્મીરના નૌશેરામાં જવાનો સાથે દિપાવલી મનાવવા પહોંચેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે સૈન્યના જવાનોને સંબોધન કરતા જણાવ્યું કે આપણે ભગવાન રામમાં સર્વોચ્ચ આદર્શ શોધવાવાળા લોકો છીએ. આપણે આપણી જન્મભૂમિ માટે જીવવાનું છે. ભગવાન રામ જયારે લંકા જીતીને આવ્યા હતા ત્યારે લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. શ્રી મોદીએ કહ્યું કે ભારતીય સૈન્યને એક નવી તાકાત આપવાની છે.

એક સમય એવો હતો કે સૈન્ય માટે તમામ વિદેશથી જ લાવવું પડતું હતું અને તેથી એવી સ્થિતિ ઉભી થતી હતી કે જરૂરિયાતના સમયે આપણે હથિયાર શોધવા નીકળતા હતા પરંતુ આજે આપણે આત્મનિર્ભર બનવા જઈ રહ્યા છીએ અને અર્જુન ટેન્ક પણ ભારતમાં બનવાની છે. મોદીએ સર્જીકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરીને નૌશેરા બ્રિગેડે જે ભૂમિકા ભજવી હતી તેની પ્રશંસા કરતા કહ્યું હતું કે મે તે દિવસે જ નિશ્ચીત કર્યુ હતું કે સૌ સૂર્યાસ્ત પહેલા પરત આવશે અને સતત ફોન પર હતો અને જવાનો સલામત પરત આવ્યા હતા ત્યારે મે શ્ર્વાસ લીધો હતો. શ્રી મોદીએ કહ્યું કે ભારતીય જવાનો જ મારા પરિવાર અને આજે હું પરિવારની વચ્ચે આવ્યો છું.

આજે સાંજે એક દિપક આપની વિરતા, ત્યાગ અને તપસ્યાના નામે પ્રગટાવવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જવાનો સાથે દીપાવલી મનાવવા જમ્મુ-કાશ્મીરના રાજૌરી જીલ્લાના નૌશેરા સેકટરમાં અંકુશ રેખા પર પહોંચી ગયા હતા અને તેઓએ અહી ભારતીય જવાનોના સ્મારકને શ્રદ્ધાંજલી આપી હતી. વડાપ્રધાનની સાથે ભૂમિદળના વડા એમ.એસ.નરવણે સહિતના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ પણ અહી પહોંચી ગયા હતા.

વડાપ્રધાન સીમાની પરીસ્થિતિ નિહાળવા પુંછ જિલ્લાની લાઈન ઓફ કન્ટ્રોલ ખાતે પણ જઈ શકે છે. જો કે આ અંગેની કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. સુરક્ષાના કારણોસર વડાપ્રધાનનો સમગ્ર કાર્યક્રમ અત્યંત સાવધાનીપૂર્વક આગળ વધારવામાં આવી રહ્યો છે. શ્રી મોદીએ બે વર્ષ પહેલા અહી જવાનો સાથે દીપાવલી મનાવી હતી અને આજે ફરી પહોંચ્યા છે. તેઓએ સૈન્ય જવાનોની સલામી લીધી હતી અને બાદમાં દેશ માટે શહીદ થનાર જવાનોના સ્મારકને પુષ્પાંજલી પણ અર્પણ કરી હતી. શ્રી મોદી અહી પુરો દિવસ વિતાવશે અને સાંજે દિલ્હી પરત ફરશે.

વડાપ્રધાન આજે જમ્મુ-કાશ્મીરના નૌશેરા જવા માટે રવાના થયા હતા તે સમયે તેમના નિવાસેથી એરપોર્ટ સુધી તેઓ કોઈ સુરક્ષા કાફલા કે લાલ લાઈટ વગરની કારમાં બેસીને એરપોર્ટ પહોંચ્યા હતા. વડાપ્રધાનનો આ કાફલો પસાર થયો તેનો ભાગ્યે જ કોઈને ખ્યાલ આવ્યો હતો અને સિગ્નલ પાસે પણ વડાપ્રધાનની કાર રોકાઈ હતી તથા સામાન્ય રીતે પીએમની સુરક્ષા સંભાળતા એસપીજીના જવાનો તથા દિલ્હી પોલીસ માર્ગ પર હોય છે પરંતુ તે સંપૂર્ણ રીતે અદ્રશ્ય હતા અને વડાપ્રધાનની કાર સામાન્ય વાહનોની જેમ જ આગળ વધી હતી. આજે દિપાવલી હોવાથી દિલ્હીના માર્ગો પર ભારે ભીડ થવાની શકયતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેની ચિંતા કરી હતી.