આર્યન ખાન 7મી ઓકટોબર સુધી નાર્કોટીકસ બ્યુરોની કસ્ટડીમાં રહેશે

0
35

આ ઉપરાંત આર્યન ખાન સાથે અરબાઝ  મર્ચન્ટ અને મુનમુન ધમેચાને  7મી ઓકટોબર સુધી કસ્ટડીમાં રહેશે

મુંબઈથી ગોવા જઇ રહેલા ક્રૂઝમાં મળેલા ડ્રગ્સ મામલે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની કાલે ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાનથી ડ્રગ્સ મામલે સતત પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે તમામ આરોપીઓને કિલા કોર્ટમાં રજૂ કરાયા હતા. ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી મામલે બૉલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને સોમવારે રાહત નથી મળી.  સુનાવણી દરમિયાન આર્યન ખાન, અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધમેચાને કોર્ટે 7 ઓક્ટોબર સુધીએનસીબીની કસ્ટડીમાં રહેવાનો ચુકાદો સંભળાવ્યો છે. મહત્વનું છે કે,એનસીબીએએ ત્રણેય આરોપીઓની 11 ઓક્ટોબર સુધી રિમાન્ડ માંગી હતી.

સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કોર્ટને જણાવ્યું હતું કે, `હકીકતો અને તેમની લિંક્સ જાણવા માટે અમને આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓના રિમાન્ડની જરૂર છે. તેમના ફોનમાંથી આવી તસવીરો અને ચેટ્સ મળી છે, જે દર્શાવે છે કે આ ડ્રગ રેકેટ આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડાયેલું છે. આપણે તેમની કોલ ડિટેલ કાઢવી પડશે. આપણા સમાજમાં યુવાનો ડ્રગ્સના ભયથી સૌથી વધુ પ્રભાવિત છે.` ASG એ કોર્ટને કહ્યું કે તેઓએ પાર્ટીના આયોજકો પર પણ સવાલ ઉઠાવ્યા છે.

જયારે સતીશ માનશિંદેએ દલીલ કરી હતી કે `વોટ્સએપ ચેટ એ સાબિત કરતું નથી કે આર્યન ડ્રગ્સ લેતો હતો. જો કોઈ ચેટ હોય જેમાં ડ્રગ્સ વિશે વાત કરવામાં આવી રહી હોય, તો તેનો અર્થ એ નથી કે આર્યન ડ્રગ સ્મગલર છે. આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યુ નથી. તેની પાસે ક્રુઝ ટિકિટ પણ નહોતી. આર્યન ઇચ્છે તો આખું જહાજ ખરીદી શકે છે. આ જહાજ પર ડ્રગ્સ વેચવાની બાબત જ નથી.

નોંધનીય છે કે, NCBએ કોર્ટમાં જણાવ્યું હતું કે, આર્યનના ફોનમાં ડ્રગ્સની આઘાતજનક વાંધાજનક તસવીરો મળી છે. આર્યન કોડ વર્ડમાં ડ્રગ્સ વિશે ચેટ કરતો હતો. NCB એ હવે 11 ઓક્ટોબર સુધી કસ્ટડી માંગી છે. NCB એ કહ્યું હતું કે, અમારે તપાસ અને તપાસનો વ્યાપ વધારવો પડશે. તેથી અમને રિમાન્ડ આપવામાં આવે, જેથી દરેકની યોગ્ય પૂછપરછ કરી શકાય. કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે.

આર્યન ખાન પર NDPC 8 C, 20 B, 27 અને 35 ની કલમો લાદવામાં આવી છે. આ હેઠળ આર્યનની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આર્યને સ્વીકાર્યું છે કે તેણે ડ્રગ્સનું સેવન કર્યું હતું.

ગઈકાલે ધરપકડ કરાયેલા બોલીવુડના સ્ટાર શાહરૂખખાનનો પુત્ર આર્યનખાન છેલ્લા ચાર વર્ષથી ડ્રગ્સ લેતો હોવાનુ સ્વીકાર્યું છે અને હવે તેની સામેનો કેસ વધુ મજબુત બન્યો હોવાનું પણ બહાર આવ્યું છે.આર્યનની ગઈકાલે મુંબઈની જે.જે.હોસ્પીટલમાં તબીબી ચકાસણી કરવામાં આવી હતી જેમાં તેના બ્લડમાં ડ્રગ્સનું પ્રમાણ મળી આવ્યુ હતું અને બાદમાં નાર્કોટીકસ બ્યુરોની પૂછપરછમાં તેણે સ્વીકાર્યુ કે ચાર વર્ષથી તે ડ્રગ્સનો આદતી બની ગયો છે અને હવે તે કોની પાસેથી ડ્રગ્સ મેળવતો હતો તે અંગેની પુછપરછ બાદ વધુ દરોડા પાડવામાં આવ્યા હતા.

બીજી તરફ ગઈકાલે શાહરૂખખાને ફોન પર તેના પુત્ર સાથે વાતચીત કરી હતી નાર્કોટીકસ બ્યુરોનાં અધિકારીઓએ આપેલી માહીતી મુજબ તેણે ફકત ભારત જ નહિં બ્રિટન, દુબઈ અને અન્ય દેશોનાં પ્રવાસ સમયે પણ ડ્રગ્સનું સેવન કર્યુ હતું. પૂછપરછમાં તે સતત રોતો રહ્યો હતો.સુત્રોના જણાવ્યા મુજબ નાર્કોટીકસ બ્યુરોની એક ટીમ શાહરૂખના નિવાસે જઈને પણ પૂછપરછ કરી શકે છે.

ઉપરાંત આ તપાસ દિલ્હી અને બેંગ્લોરમાં પણ લંબાવાઈ છે. દિલ્હીમાં ગોમીત ચોપડા નામના એક વ્યકિતને ત્યાં સર્ચ કરવામાં આવ્યુ હતું જે પાટનગરમાં ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું માનવામાં આવે છે.જયારે મુંબઈમાંથી શ્રેયર નાયરની અટકાયત કરવામાં આવી છે જેની સાથે શાહરૂખનો પુત્ર નિયમીત રીતે ચેટ કરતો હતો અને તે ડ્રગ્સ સપ્લાયર્સ હોવાનું માનવામાં આવે છે.