આ છે બીટકૉઇન એક્સચેન્જ બીટફિનેક્સ હૅક કરનાર પહેલો હૅકર

0
15

હૅકિંગને લગતા અનેક ગુના અને ઑનલાઈન લૂંટમાં સંડોવાયેલા કર્ણાટકના હૅકર શ્રીક્રિષ્ન રમેશે અનેક ચોંકાવનારી હકીકત જણાવી

હૅકિંગને લગતા અનેક ગુનાઓ અને ઑનલાઈન લૂંટમાં સંડોવાયેલા કર્ણાટકના હૅકર શ્રીક્રિષ્ન રમેશે આપેલા નિવેદનોથી ભારે ચર્ચા જામી છે. માત્ર ર૬ વર્ષના શ્રીક્રિષ્ને બીટકૉઇન એક્સચેન્જ બીટફિનેક્સને હૅક કરનારો પોતે પહેલો હૅકર હોવાનો દાવો કર્યો છે. તેણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે ર૦૧૫ અને ર૦૧૬માં નેધરલૅન્ડ્સના રહેઠાણ દરમ્યાન તેણે હૉન્ગકૉન્ગસ્થિત બીટકૉઇન એક્સચેન્જ બીટફિનેક્સને બેવાર હૅક કર્યું હતું. હૅકિંગથી રળેલા બીટકૉઇન્સ તેણે મોજશોખમાં વાપરી નાખ્યા હતા. ર૦૧૬માં જ્યારે બીટફિનેક્સ બીજીવાર હૅક થયું ત્યારે ૧,ર૦,૦૦૦ બીટકૉઇન્સ (ત્યારના આશરે સાત કરોડ વીસ લાખ ડૉલર)ની લૂંટને અંજામ મળ્યો હતો.

શ્રીક્રિષ્ને તેના નિવેદનમાં કહ્યું છે કે બીટફિનેક્સમાં બીજીવારના હૅકિંગને લીધે ઇઝરાયલી આર્મી માટે કામ કરતા બે હૅકર્સને ત્યાંના કર્મચારીઓના કમ્પ્યુટરમાં એક્સેસ મળી ગયો હતો.આ હૅકિંગ દ્વારા ર૦૦૦૮ બીટકૉઇન લૂંટ્યા હતા, પણ બધા મોજમસ્તીમાં વાપરી નાખ્યા હતા. એ સમયે એક બીટકૉઇનનો ભાવ ૧૦૦થી ૨૦૦ ડૉલર હતો. શ્રીકી નામે ઓળખાતો શ્રીક્રિષ્ન ત્યારે રોજના ૧થી ૩ લાખ રૂપિયા ઉડાવતો હતો. વિશ્વમાં અત્યાર સુધીની સૌથી મોટી બીટકૉઇન લૂંટ ગણાયેલા ર૦૧૬ના બીટફિનેક્સ હૅકિંગ કૌભાંડ માટે ઇઝરાયલમાં બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી.ર૦૧૯માં એણે કર્ણાટક સરકારની ઈ-પ્રૉક્યુરમેન્ટ સાઇટને હિમાલયના એક સ્પામાં બેઠા-બેઠા હૅક કરી હતી અને લૂંટ ચલાવી હતી.

જોકે તેનો દાવો છે કે તેણે આ લૂંટમાંથી કશી કમાણી કરી નહોતી. આ ઑનલાઈન લૂંટમાં ૧૧.૫ કરોડ રૂપિયાની ચોરીનો તેના પર આરોપ છે. નવેમ્બર ૨૦૨૦માં પોલીસે ડાર્ક-નેટ પર ડ્રગ્સના કેસમાં શ્રીક્રિષ્નની ધરપકડ કરી હતી. શ્રીક્રિષ્ન રમેશ ચોથા ધોરણમાં હતો ત્યારથી કમ્પ્યુટર સાથે ચેડાં કરવામાં માહેર બન્યો હતો. ચોથા ધોરણમાં જ તેણે જાવા અને રિવર્સ એન્જિનિયરિંગના પાઠ ભણી લીધા હતા. સ્કૂલના દિવસોમાં જ એ ગેમ્સ અને સ્કૂલના સર્વર-નેટવર્ક હૅક કરવાના સફળ પ્રયાસ કરી ચૂક્યો હતો. ચોથાથી દસમા ધોરણ સુધી તેણે વૈશ્વિક હૅકર્સના ગ્રુપમાં જોડાઈને દેશ-વિદેશના હૅકર્સ સાથે મિત્રતા કરી હતી અને હૅકિંગ માટે જરૂરી તમામ ડિજિટલ કારસ્તાનોમાં મહારત હાંસલ કરી હતી. દસમા ધોરણમાં પહોંચતા સુધીમાં તો એણે હૅકિંગ દ્વારા ડૉલર રળવાની શરૂઆત કરી લીધી હતી.