ઍનિમલ્સના વિડિયો સોશ્યલ મીડિયા પર અવનારનવાર વાઇરલ થતા હોય છે

0
19

ઍનિમલ્સના વિડિયો સોશ્યલ મીડિયા પર અવનારનવાર વાઇરલ થતા હોય છે, એમાં પણ જો વિડિયો જંગલના રાજા સિંહનો હોય તો લોકો વધુ આનંદ માણે છે. જોકે સોશ્યલ મીડિયા પર ડૉગી, બિલાડી, વાંદરા, હાથી તેમ જ ઊંટના વિડિયો પણ વાઇરલ થતા હોય છે. આઇએએસ અધિકારી સુશાંત નંદા અવારનવાર ટ્વિટર પર અવનવા વિડિયો પોસ્ટ કરતા હોય છે, જેમાં પ્રાણીના વિડિયો વધુ હોય છે.

સુશાંત નંદાએ ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડિયોમાં એક સિંહ નદીકિનારે પાણી પીતો હોય છે ત્યારે એક નાનો કાચબો પાણીમાંથી વારેઘડીએ સિંહના મોઢા પાસે આવીને એને હેરાન કરી રહ્યો હોય છે. જંગલના રાજા સિંહને એક નાનો કાચબો પરેશાન કરે પછી સિંહ શું કરે છે એ જાણવાની તમામને ઉત્કંઠા હોય એ સ્વાભાવિક છે. પહેલી વાર કાચબાને નજીક આવેલો જોઈને સિંહ થોડો પાછળ ખસી ગયો હતો, પણ કાચબાને માટે એ રમત થઈ પડતાં વારંવાર એ સિંહના મોઢા નજીક આવી એને પરેશાન કરવા લાગ્યો. છેવટે કંટાળીને સિંહ ત્યાંથી જતો રહે છે. આ વિડિયોને અત્યાર સુધી ૫૨,૦૦૦ કરતાં વધુ વાર જોવાયો છે.