એનસીબીએ જહાજ પર રેવ પાર્ટીમાંથી આર્યન ખાન સહિત આઠની અટકાયત કરી

0
24

એક સૂચનાના આધારે, એજન્સીએ તેના કેટલાક અધિકારીઓને ગોવા જતી જહાજ પર મુસાફરો તરીકે મોકલ્યા હતા, જેમણે પાછળથી દરોડા પાડ્યા હતા.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ શનિવારે મુંબઈમાં એક પેસેન્જર ક્રૂઝ શિપ પર દરોડો પાડ્યો હતો અને જહાજમાં એક પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. અહેવાલો અનુસાર, ડ્રગ વિરોધી એજન્સીએ દરોડા બાદ 10થી વધુ લોકોની અટકાયત કરી છે.

એક સૂચનાના આધારે, એજન્સીએ તેના કેટલાક અધિકારીઓને ગોવા જતી જહાજ પર મુસાફરો તરીકે મોકલ્યા હતા, જેમણે પાછળથી દરોડા પાડ્યા હતા. એનસીબી અધિકારીના જણાવ્યા અનુસાર, અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન, મુનમુન ધામેચા, નૂપુર સારિકા, ઇસ્મીત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર, ગોમિત ચોપરા અને અરબાઝ મર્ચન્ટની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.

એનસીબીએ વહાણમાંથી MDMA/એક્સ્ટસી, કોકેન, MD (મેફેડ્રોન) અને ચરસ સહિત અનેક ડ્રગ જપ્ત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, જહાજ કિનારેથી 100 નોટિકલ માઇલ દૂર ગયા બાદ અમે દરોડા પાડ્યા હતા અને કેટલીક ડ્રગ જપ્ત કરવામાં આવી હતી.

સમગ્ર કામગીરી એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે દ્વારા હાથ ધરવામાં આવી હતી. વાનખેડેએ પ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે “હું હાલ કંઈ કહી શકીશ નહીં, તપાસ ચાલુ છે અને 8-10 લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે કોઈ સેલિબ્રિટી સાથે જોડાયેલા અટકાયત કરાયેલા વ્યક્તિઓના નામ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, એનસીબીએ ગ્રીન ગેટ પાસે સાંજે 7 વાગ્યે જહાજ પર દરોડો પાડ્યો હતો. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. એનસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જહાજમાં લગભગ 1,000 લોકો છે અને તમામની તપાસ કરવામાં આવી રહી છે અને કામગીરી ચાલી રહી છે.

એનસીબી મુંબઈએ આ બાબતે ગુનો નોંધ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે એજન્સીએ જહાજ પર ડ્રગ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે.