કાંગારૂ છત પર ચડ્યું કેવી રીતે?

0
15

ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડમાં રહેતા લોકો માટે કાંગારૂની નવાઈ નથી. જોકે તાજેતરમાં ક્વીન્સલૅન્ડના લોકોને પણ એક કાંગારૂએ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. અહીં એક ઘરની છત પર ચડીને કાંગારૂ કૂદાકૂદ કરી રહ્યું હતું. એને જોઈને સૌ અચંબામાં પડી ગયા.
પોલીસ-ઇમર્જન્સીમાં મદદ માટે ફોન કર્યો. ત્યાંના કર્મચારીઓને પણ પહેલાં તો લાગ્યું કે આ બનાવટી ફોન છે, બાળકોએ ગમ્મત માટે કર્યો હશે, પણ ત્યાં જઈને કાંગારૂને ખરેખર છત પર ધમાલ મચાવતું જોઈને રેસ્ક્યુ કર્મચારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. કાંગારૂ છતથી નીચે કૂદી પડે તો તેના પગ ભાંગી જાય એવી શક્યતા હતી એથી રેસ્ક્યુ કર્મચારીઓ વધુ ચિંતામાં મુકાયા. જોકે રેસ્ક્યુ કર્મચારીને પાસે આવતા જોઈને ધીમેકથી કાંગારૂ સરકવા માંડ્યું અને પાસેની ઝાડીઓમાં કૂદીને ભાગી ગયું ત્યારે સૌએ રાહતનો શ્વાસ લીધો. આ આખી વાર્તામાં રહસ્યનો સવાલ તો એ રહ્યો કે આખરે કાંગારૂ છતની ઉપર પહોંચ્યું કઈ રીતે. જોકે એ વિશે કોઈની પાસે જવાબ નથી.