કાશ્મીરમાં સુરક્ષાદળો પર હુમલો: પાંચ જવાનો શહીદ

0
12

પુંછના સુરનકોટમાં છુપાયેલા ત્રાસવાદીઓને ઘેરી રહેલી પેટ્રોલીંગ ટુકડી પર અચાનક જ ધાણીફુટ ગોળીબાર એક જુનીયર અધિકારી સહિત પાંચ જવાનોના જીવન ગયા: ત્રણ-ચાર ત્રાસવાદીઓનું કૃત્ય

જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક બિન-મુસ્લીમોની હત્યાની ઘટનાઓ બાદ ત્રાસવાદીઓ સામે શરુ કરાયેલા અભિયાન વચ્ચે આજે પુંછના સુરનકોટમાં પેટ્રોલીંગ કરી રહેલી સુરક્ષાદળની એક ટુકડી પર જબરો હુમલો કરીને એક જુનીયર કમીશન્ડ ઓફીસર સહિત પાંચ જવાનો શહીદ થયા છે. આ ઘટનાના પગલે સમગ્ર કાશ્મીરમાં એલર્ટ જાહેર કરાયું છે અને અનંતનાગ તથા બાંદીપોરામાં પણ એક મુઠભેડમાં બે ત્રાસવાદઓને ઠાર મરાયા હતા પણ એક જવાન પણ ઘાયલ થયો હતો.

તાજેતરમાં સુરક્ષાદળો પરનો એક સૌથી મોટો હુમલો છે. પુંછના સુરનકોટ જંગલમાં બે-ત્રણ ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી પરથી ત્યાં પેટ્રોલીંગ ટુકડીને રવાના કરવામાં આવી હતી અને આ ક્ષેત્રની ઘેરાબંધી થઈ હતી પણ જવાનો હજું પોઝીશનમાં આવે તે પુર્વે જ ત્રાસવાદીઓએ ભીષણ ગોળીબાર કરતા જે.સી.ઓ. સહિત પાંચ જવાનો શહીદ થયા હતા જયારે અનેક જવાનો ઘાયલ થયા છે.

આજે સુરક્ષાદળોએ એક તરફ લશ્કરે તોયબાના ત્રાસવાદી ઈમ્તીયાઝ અહેમદ ડારને ઠાર માર્યો હતો. તેના કલાકોમાં જ આ વળતો પ્રહાર થયો હતો. ઈન્ટેલીજન્સ બાતમી પરથી આ ઓપરેશન શરુ થયુ હતું. હવે સુરક્ષા દળોની વધુ ટુકડીઓને અહી દોડાવાઈ છે તથા સમગ્ર ક્ષેત્રને ઘેરી લેવાયું છે અને તલાશી અભિયાન શરુ થયુ છે તથા હેલીકોપ્ટર અને ડ્રોનની મદદથી પણ ત્રાસવાદીઓની શોધ શરુ કરવામાં આવી છે.