કાશ્મીરમાં 3 આતંકીઓ બે અલગ અલગ ઘટનામાં ઠાર

0
16

ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ બાદ સુરક્ષા એજન્સીઓએ આતંકીઓનો ખાત્મો બોલાવવા રણનીતિ બદલી રેન્ડમ સાથે ઓપરેશન હાથ ધર્યું

કાશ્મીરમાં બે જુદા જુદા સ્થળે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓનાં મોત થયા હતા જેમાં ફુલગામમાં બે અને શ્રીનગરમાં એક આતંકવાદી ઠાર થયો હતો. કાશ્મીરનાં પોલીસ મહા નિરિક્ષક (આઈજીપી) વિજયકુમારે જણાવ્યુ હતું કે શ્રીનગરમાં માર્યો ગયેલો આતંકી લેથપપરા આતંકી હુમલાનો આરોપીનો સબંધી હતો. જયારે ફુલગામ અથડામણમાં માર્યા ગયેલા આતંકીની ઓળખાણ શિરાજ મૌલવી તરીકે થઈ છે.

આઈજી વિજયકુમારે વધુમાં જણાવ્યું હતું કે પુલવામાં હુમલાનાં એક આરોપીનાં સબંધી આમીર રિયાઝને ઠાર મારવામાં આવ્યો છે. તે ખીણમાં ફિદાયીન હુમલાનુ કાવતરૂ રચી રહ્યો હતો. રિયાઝ મુજાહીદીન ગજવાતુલ હિન્દનો આતંકી હતો. જયારે ફુલગામમાં માર્યા ગયેલા આતંકીની ઓળખ હિઝબુલ મુજાહીદીનનાં જીલ્લા કમાન્ડર શિરાજ મૌલવી તરીકે થઈ હતી. શિરાઝ 2016 થી ખીણમાં સક્રિય હતો. તે યુવાનોને ગુમરાહ કરીને આતંકી સંગઠનમાં ભરતી કરતો હતો.

સાથે સાથે અનેક નાગરીકોની હત્યામાં તે સામેલ હતો, શિરાઝનું મરવુ સુરક્ષા દળો માટે મોટી સફળતા છે. બીજી બાજુ કાશ્મીરમાં ટારગેટ કિલીંગની ઘટનાઓને લઈને એજન્સીઓએ આતંકીઓની મોડસ ઓપરેન્ડી નિષ્ફળ બનાવવા ખાસ કરીને શ્રીનગરમાં રણનીતિ બદલાવી છે. 90 ના દાયકામાં જયારે આતંકવાદ ચરમસીમાએ હતો ત્યારે સર્ચ ઓપરેશન ચલાવાયા હતા હવે એજ તર્જ પર શ્રીનગરમાં રેન્ડમ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે જયારથી પિસ્તોલથી ઘટનાઓને અંજામ દેવાનૂ શરૂ કર્યું છે.ત્યારથી સુરક્ષા એજન્સીઓને વધુ સતર્ક રહેવાના નિર્દેશ અપાયા છે.તેમણે જણાવ્યું હતું કે પહેલા ઘટનાઓમાં એકે-47 જેવા હથીયારોનો ઉપયોગ થતો હતો કે જેને સાચવવી સરળ નહોતી પણ પિસ્તોલ સરળતાથી કયાંય પણ લઈ જઈ શકાય છે. આથી આ મોડેસ ઓપરેન્ડીને કાઉન્ટર કરવા માટે રેન્ડમ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે.