કેરળમાં હવે અત્યંત ચેપી નોરોવાઇરસનો કહેર

0
14
Coronavirus-covid-19-infecting-respiratory-system-Pandemic-medical-health-shut.jpg

બે અઠવાડિયાં પહેલાં વાયનાડ જિલ્લામાં વૈથીરી નજીક પોકોડે ગામમાં આવેલી વેટરિનરી કૉલેજના કુલ ૧૩ સ્ટુડન્ટ્સમાં સંક્રમણ જોવા મળ્યું છે

કેરળમાં કોરોના બાદ હવે ચેપી નોરોવાઇરસનો કહેર ફેલાયો છે. દૂષિત પાણી અને ખોરાકથી પ્રસરતો પ્રાણીજન્ય રોગ નોરોવાઇરસ કેરળના વાયનાડ જિલ્લામાં ફેલાયો હોવાની વાતને સમર્થન આપતાં રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યૉર્જે ગઈ કાલે કાળજી રાખવા તેમ જ માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું હતું.
આરોગ્ય પ્રધાને રોગ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા તેમ જ એનો પ્રસાર રોકવા પ્રતિબંધાત્મક પગલાં લેવાનો આદેશ આપવાની સાથે જ લોકોને વધુ કાળજી રાખવા જણાવ્યું હતું.
વીણા જ્યૉર્જના વડપણ હેઠળની મીટિંગમાં ગઈ કાલે કેરળના આરોગ્ય વિભાગે વાયનાડની સ્થિતિની આકારણી કરી હતી. બે અઠવાડિયાં પહેલાં વાયનાડ જિલ્લામાં વૈથીરી નજીક પોકોડે ગામમાં આવેલી વેટરિનરી કૉલેજના કુલ ૧૩ સ્ટુડન્ટ્સમાં સંક્રમણ જોવા મળ્યું છે.
પ્રતિબંધાત્મક પગલાં અને સારવારથી આ રોગ પર ઝડપથી કાબૂ મેળવી શકાય છે એમ જણાવતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સામાન્ય રીતે સ્વસ્થ લોકોને આ રોગ થતો નથી, પરંતુ  બાળકો, વૃદ્ધો અને એક કરતાં વધુ બીમારી ધરાવનારા લોકોને આ રોગનો ચેપ લાગી શકે છે. સંક્રમિત લોકો સાથેના સંપર્કથી પણ આ પ્રાણીજન્ય રોગ થઈ શકે છે.
નોરોવાઇરસથી સંક્રમિત લોકોનાં મળમૂત્ર અને ઊલટીથી પણ આ રોગ ફેલાઈ શકે છે. જોકે વાઇરસનો ચેપ લાગ્યાના બે દિવસ સુધી એ ફેલાઈ શકે છે.
સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ સંક્રમિત રોગીએ ડૉક્ટરની સલાહ મુજબ ઘરે આરામ કરવાનો રહેશે તેમ જ આરઓએસ સૉલ્યુશન અને ઉકાળેલું પાણી પીવાનું રહેશે. ટૉઇલેટ્સના ઉપયોગ પછી અને જમ્યા બાદ સાબુ અને પાણીથી હાથ સ્વચ્છ ધોવાનાં રહેશે. પ્રાણીઓના સંપર્કમાં આવનારાઓએ વધુ કાળજી લેવાની રહેશે.

રોગનાં લક્ષણ
નોરોવાઇરસ એ વાઇરસનો એક સમૂહ છે, જેને કારણે ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બીમારી થાય છે. પેટ અને આંતરડામાં બળતરા તેમ જ ઊલટી અને ડાયેરિયાનાં પણ લક્ષણ જોવા મળે છે.
નોરોવાઇરસનાં કેટલાંક સામાન્ય લક્ષણોમાં ડાયેરિયા, પેઢુમાં દુખાવો, ઊલટી, શરદી,  તાવ અને શરીરના દુખાવાની ફરિયાદ રહે છે. વધુ પડતી ઊલટી અને ડાયેરિયાથી શરીરમાંનું પાણી ઓછું થઈ જવાનો ભય પણ રહે છે.

નોરો વાઇરસની લાક્ષણિકતા
નોરો વાઇરસ સામાન્ય રીતે વિન્ટર વૉમિટિંગ બગ તરીકે ઓળખાય છે. જે ઝડપથી ફેલાઈ જાય છે.
સંક્રમિત વ્યક્તિ કે સંક્રમિત સપાટીના સંપર્કમાં આવવાથી તરત જ એનો ચેપ લાગે છે.
સામાન્ય રીતે એ નર્સરી અને ચાઇલ્ડ કૅર ફેસિલિટીઝ જેવી એજ્યુકેશનલ સંસ્થાઓમાં વધુ જોવા મળે છે.
આ વાઇરસથી સંક્રમિત ફૂડથી પણ નોરો વાઇરસ ફેલાઈ શકે છે.