ખિસકોલીએ ૧૫૮ કિલો અખરોટ ભેગી કરીને કારના માલિકને કર્યા પરેશાન

0
27

બિલ ફિશરે અનેક રીતે ખિસકોલીને કારમાં અખરોટનો સંગ્રહ કરતી રોકવાની કોશિશ કરી, પરંતુ કંઈ વળતું નથી

ખિસકોલી આમ તો ખૂબ શાંત, ડરપોક અને કોઈને પણ નડે નહીં એવું પ્રાણી કહેવાય, પણ નવાઈ લાગે એવી એક વાત એ છે કે અમેરિકાના નૉર્થ ડાકોટામાં બિલ ફિશર નામના એક ભાઈ બીજા કોઈથી નહીં, પણ ખિસકોલીથી પરેશાન છે. છેલ્લાં આઠેક વર્ષથી એક ખિસકોલી તેમની શેવરોલે કારના હૂડમાં કાળા અખરોટનો સંગ્રહ કરી રહી છે અને એ સાફ કરવામાં બિલનો દમ નીકળી જાય છે.

બિલ ફિશરની કાર તેમના ઘરની પાછળ આવેલા યાર્ડમાં કાળા અખરોટના ઝાડની નજીક પાર્ક કરેલી હોય છે, જેથી ખિસકોલીને પોતાના અખરોટનો સંગ્રહ કરવામાં સરળતા રહેતી હોવાથી એ કારના એન્જિન-સેક્શનમાં અખરોટ ભરી રાખે છે.

બિલ ફિશરે અનેક રીતે ખિસકોલીને કારમાં અખરોટનો સંગ્રહ કરતી રોકવાની કોશિશ કરી, પરંતુ કંઈ વળતું નથી. આ વખતે ખિસકોલીએ હદ કરી નાખી. અધધધ ૧૫૮ કિલો અખરોટનો સંગ્રહ કરી નાખ્યો. તેમણે કારમાંથી ૭ બાલટી ભરીને અખરોટ કાઢી હતી.દરેક વખતે કાર ચલાવવા માટે ​બિલ ફિશરે ફેન્ડર્સ બંધ કરીને તમામ અખરોટ કાઢી નાખવી પડે છે. આ વર્ષે તો એક અખરોટ વિન્ડશીલ્ડના વાઇપરમાં ફસાઈ ગઈ હતી. દરેક વખતે એક-એક અખરોટ શોધીને કાઢતાં કંટાળેલા બિલ ફિશરે જોકે ક્યારેય ખિસકોલીને કારમાં અખરોટનો સંગ્રહ કરતી જોઈ નથી. ખિસકોલી એટલી બધી ચપળ અને ઝડપી હોય છે કે એ રંગેહાથ ક્યારેય પકડાતી પણ નથી.