ગાંધીનગરમાં ખાનગી કંપનીના ETP પ્લાન્ટની સફાઇ દરમિયાન 5 મજૂરોના મોત

0
20

દૂષિત પાણીને પ્રોસેસ કરવાની ટેન્કમાં સફાઇ માટે મજૂરો ઉતર્યા હતા એક મજૂરનો જીવ બચાવવા જતા અન્ય ચાર મજૂરોએ જીવ ગુમાવ્યો છે

ગાંધીનગરઃ ખાનગી કંપનીના ETP પ્લાન્ટની સફાઇ દરમિયાન દુર્ઘટના સર્જાઇ છે. અહીં, ટાંકીની સફાઇ કરવા ઉતરેલા 5 મજૂરોના ગૂંગળામણથી મોત થયા છે. દૂષિત પાણીને પ્રોસેસ કરવાની ટેન્કમાં સફાઇ માટે મજૂરો ઉતર્યા હતા. એક મજૂરનો જીવ બચાવવા જતા અન્ય ચાર મજૂરોએ જીવ ગુમાવ્યો છે. કલોલની તુત્સન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ કંપની ખાતે આ દુર્ઘટના સર્જાઇ છે. 30થી 35 વયના તમામ મૃતકો ઉત્તરપ્રદેશના વતની હોવાનું ખુલ્યું છે. ફાયર વિભાગે ETP પ્લાન્ટની ટાંકીમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. પોલીસે કંપનીના માલિક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટના મામલે ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્યનું નિવેદન પણ સામે આવ્યું છે. શોટ સર્કિટથી મજૂરોના જીવ ગયા હોવાની શક્યતા હોવાનું કલેક્ટરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કલોલની ખાત્રજ જીઆઈડીસી પ્લોટ નંબર -10 બ્લોક નંબર 58માં દવા બનાવતી તુત્સન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. કંપનીમાંથી નીકળતા દૂષિત પાણીને રિસાઈકલિંગ કરવા માટે અત્રે ETP પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. અહીં દૂષિત પાણીને પ્રોસેસ કરીને ફરી વખત ઉપયોગમાં લેવામાં આવે છે.દિવાળીના તહેવાર નિમિત્તે પ્લાન્ટનો ઓપરેટર રજા પર ગયો છે. જ્યારે દિવસ દરમિયાન સુશીલ ગુપ્તા અને રાત્રે રામસિંહ પાંડે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ત્યારે આજે પ્લાન્ટના હોજને સાફ કરવા માટે વિનયકુમાર નામનો મજૂર સીડી મૂકીને અંદર ઊતર્યો હતો. આ દરમિયાન અચાનક તેણે બૂમાબૂમ કરતાં સુનીલ ગુપ્તા તેને બચાવવા માટે હોજમાં ઊતર્યો હતો. તેણે પણ બચાવો બચાવોની બૂમો પાડતાં એક પછી એક દેવેન્દ્રકુમાર દિનેશભાઈ, રાજન કુમાર પપ્પુભાઈ અને અનિશકુમાર પપ્પુભાઈ પણ ચીસો સાંભળીને હોજમાં ઊતર્યા હતા.