ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપ સત્તા પર, 44માંથી 40 બેઠકો પર જીત, કોંગ્રેસને 3 અને આપને એક બેઠક

0
26

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો આખરે જાહેર થઈ ગયા છે અને ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા હાંસલ કરી લીધી છે.ગાંધીનગરની 44 બેઠકો પૈકી 40 બેઠકો પર ભાજપે જીત મેળવી છે.કોંગ્રેસને માત્ર 3 અને આમ આદમી પાર્ટીએ માત્ર એક બેઠક પર જીત મેળવી છે. ભાજપને 10 વર્ષમાં પહેલી વખત આ શહેરમાં સ્પષ્ટ બહુમતી મળી છે.

ગુજરાતમાં પગપેસારો કરવાના સ્વપ્ન જોઈ રહેલી આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ફટકો છે.બીજી તરફ ભાજપ પાસે હવે ગુજરાતના તમામ મોટા શહેરોમાં કોર્પોરેશનની સત્તા આવી ચુકી છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ઉજવણી અને ઉત્સવનો માહોલ છે.ચૂંટણીના પરિણામથી કોંગ્રેસ-આપના કાર્યલયમાં સન્નાટો છવાઈ ગયો છે. તો ભાજપના કમલમ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ છે. પાટીલ અને પટેલની ઉપસ્થિતિમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે.

ગાંધીનગરની ચૂંટણી માટે 56 ટકા મતદાન થયુ હતુ. ભાજપના પ્રમુખ સીઆર પાટીલ તેમજ નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો વિષય હતી. જોકે આ લિટમસ ટેસ્ટમાં તેઓ પાસ થયા હોવાનુ દેખાઈ રહ્યુ છે.3 ઓક્ટોબરના રોજ 56 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી પાંચ કેન્દ્ર પર મતગણતરી શરૂ કરવામાં આવી છે. આ પાંચેય કેન્દ્ર પરથી મનપાના 11 વોર્ડની 44 બેઠકનાં પરિણામ જાહેર થશે. શરૂઆતી ટ્રેન્ડમાં બે કલાકની ગણતરી બાદ આપ એક બેઠક ઉપર આગળ હોવાનું જણાયું હતું. અગાઉ મનપા તેમજ તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણી આમ આદમી પાર્ટીએ પોતાનું જોર બતાવ્યું હતું પરંતુ ગાંધીનગર મનપામાં આપને કોઈ ખાસ સફળતા મળી નથી.