ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 54 ટકા જેટલા ઓછા મતદાનથી રાજકીય પક્ષો ચિંતા

0
21

જેમાં સૌથી વધારે મતદાન વોર્ડ-7 કોલવડા-વાવોલમાં 63 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ-5 પંચદેવમાં 37 ટકા નોંધાયું છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 6 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે મતદાન વોર્ડ-7 કોલવડા-વાવોલમાં 63 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ-5 પંચદેવમાં 37 ટકા નોંધાયું છે. 60 ટકા કરતા ઓછું મતદાન થવાથી ત્રણેય રાજકીય પક્ષો ચિંતામાં આવી ગયા છે. ભાજપ માટે આ ચૂંટણી એક ટેસ્ટ સમાન માનવામાં આવે છે. જ્યારે કોંગ્રેસ માટે પુનઃ બેઠું થવાની તો આપ માટે પાટનગરમાં પોતાની જગ્યા બનાવવાનો આ સંગ્રામ છે. જોકે ઓછા મતદાને રાજકીય પક્ષોને વિચારતા કરી મુક્યા છે.

આજે વહેલી સવારથી ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલુ છે. અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો ચૂંટણી જંગ જામ્યો છે. જોકે મતદાન ધીમું રહેતા રાજકીય પાર્ટીઓમાં ચિંતા વ્યાપી છે. આ દરમિયાન બબાલ થઈ હોવાના અહેવાલ મળ્યા છે. ભાજપ અને આપ વચ્ચે માથાકૂટ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આપ પાર્ટીના બુથ પર ખુરશીઓ ઉછળી છે. કૂડાસણમાં બબાલ થઈ હતી. ઉપરાંત વોર્ડ 10 હેઠળના સેક્ટર 6માં આપના કાર્યકરોને માર મરાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

બીજી તરફ મતદાન શરૂ છે. સાંજે 4 વાગ્યા સુધીમાં 42.09 ટકા મતદાન થયું છે. સૌથી વધુ વોર્ડ-7માં 54.25 ટકા અને સૌથી ઓછું વોર્ડ-5માં 29.54 ટકા મતદાન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ લોકશાહીના મૂલ્યોનું સંવર્ધન કરતાં આજરોજ રાયસણ ખાતે મતદાન કર્યું હતું. મતદાનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે.