ગુજરાતના 113 તાલુકામાં આજેપણ કમોસમી વરસાદ

0
15

ઉતર તથા દક્ષિણ ગુજરાતમાં વધુ જોર: 27 તાલુકામાં એકથી ત્રણ ઈંચ તથા 27માં અર્ધાથી એક ઈંચ

ગુજરાતમાં લો-પ્રેસર સિસ્ટમના પ્રભાવ હેઠળ બે દિવસથી હવામાન પલ્ટો થયો છે ત્યારે રાજયના 113 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડયો છે. રાજયના હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે આજે પણ હવામાન વાદળીયુ જ રહ્યું છે અને માવઠા-કમોસમી વરસાદ થવાની સંભાવના છે. આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાક દરમ્યાન રાજયના 113 તાલુકામાં છાંટાછુટીથી માંડીને ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

ઉતર ગુજરાતમાં હવામાનપલ્ટાનો પ્રભાવ વધુ હતો. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તથા ગાંધીનગર જેવા તમામ જીલ્લામાં હળવોથી નોંધપાત્ર વરસાદ થયો હતો. ખેરાલુ, ઈડર, વડાલી જેવા તાલુકાઓમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ખેડબ્રહ્મા, વિજયનગર, સિદ્ધપુર જેવા તાલુકાઓમાં દોઢથી અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.

મધ્ય ગુજરાતમાં એકમાત્ર છોટા ઉદેપુર આ પંચમહાલ જીલ્લામાં માવઠાનું જોર વધુ માલુમ પડયુ હતું. સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ હતો. રાજકોટ સહિતના ભાગોમાં છાંટા પડવા સાથે રસ્તા ભીના થતા હોવા છતાં વરસાદ નોંધાયો ન હતો. જુનાગઢ જીલ્લામાં સાત મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં ભરુચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ તથા ડાંગ જીલ્લાઓમાં હળવો-નોંધપાત્ર વરસાદ થયો હતો. હવામાનખાતાના રીપોર્ટમાં એમ જણાવાયું છે કે 27 તાલુકાઓમાં એક થી ત્રણ ઈંચ સુધીનો વરસાદ પડયો હતો જયારે 27 તાલુકામાં અર્ધાથી એક ઈંચ વરસાદ હતો. અન્યત્ર ઝરમર વરસાદ હતો.