ગુજરાતમાં જૂનાં વિમાનોનો ઉપયોગ કરી શરૂ કરાશે એર એમ્બ્યુલન્સ

0
13

આગામી સમયમાં 108 મારફતે એર એમ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

ગુજરાતમાં દર્દીઓ માટે હવે 108 સેવાની જેમ એર એમ્બ્યુલન્સ સેવ પણ શરૂ થાય તેવી શક્યતા છે. રાજ્ય સરકાર આગામી વાઈબ્રન્ટ સમિટમાં આ મુદ્દે GVK સાથે કરાર કરી શકે છે. આ સુવિધાની જાહેરાત કરતાં કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે 19 નવેમ્બરે કેન્દ્રીય એવિએશન વિભાગની એક બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાતમાં એર એમ્યુલન્સ સેવા શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસ્તાવને પરવાનગી મળતા હવે મંત્રીએ પત્રકાર પરીષદમાં જાહેરાત કરી છે કે આગામી સમયમાં 108 મારફતે એર એમ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા ઈજાગ્રસ્તોને મોટો લાભ થશે.

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની પત્રકાર પરીષદને સંબોધતા જણાવ્યું હતું કે “19 નવેમ્બરે કેન્દ્રીય એવિએશન વિભાગની બેઠક થઈ હતી, જેમાં દરેક રાજ્યના ઉડ્ડયન મંત્રીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત રાજ્ય દ્વારા કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા, સી પ્લેન માટે 6 સ્થળો પર સર્વે,  ઉત્તર ગુજરાતમાં ડીસા એરસ્ટ્રીપ પ્રોજેકટ, શાકભાજી માટે કાર્ગો સર્વિસ, કેશોદ એરપોર્ટ પર પાર્કિંગનો પ્રોબ્લેમ, એવિએશન પાર્ક બનાવવાના આયોજનને લઈ ચર્ચાઓ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના જૂના વિમાનનો ઉપયોગ એર એમ્બ્યુલન્સ તરીકે કરવામાં આવશે. એર એમ્બ્યુલન્સ માટે DGCA પાસે મંજૂરી માગવામાં આવી છે, જો મંજૂરી મળશે તો સરકાર જરૂરિયાતમંદ દર્દીઓને એર એમ્બ્યુલન્સની સુવિધા પણ આપશે, પરંતુ તેના બદલામાં સરકાર દર્દીઓ પાસેથી ઓપરેટિંગ ચાર્જ પણ વસૂલશે, એટલે ઓપરેટિંગ ખર્ચ દર્દીઓએ ચૂકવવાનો રહેશે.