ગુજરાતમાં 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી 19મી ડીસેમ્બરે જાહેર થઈ, 21મીએ મતગણતરી

0
19

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલાં, એટલે કે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી આવી રહી છે. આ અંગે આજે રાજ્ય ચૂંટણીપંચે જાહેરાત પણ કરી દીધી છે. આ ચૂંટણી માટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. 19મી ડિસેમ્બરે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા થશે.આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બર ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ રહેશે. આ ચૂંટણીમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર મતદારો છે.

અંદાજિત 10,879 ગ્રામપંચાયતોમાં 10,284 સરપંચની ચૂંટણી તેમજ અંદાજિત 89702 વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે. આ સિવાયની જે ગ્રામપંચાયતોની ચૂંટણી મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે એવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતાં વધુ સમય બાકી હોય એમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પણ ચૂંટણી યોજાશે, સાથે સાથે વિભાજનવાળી અને મધ્યસત્ર ચૂંટણીવાળી ગ્રામપંચાયતોની પણ ચૂંટણીઓ યોજાશે.કેન્દ્ર સરકારના મહત્ત્વના પ્રોજેકટ ફાસ્ટટ્રેક પર મૂકવા માટે થઈને કલેક્ટર અને ડીડીઓ(જિલ્લા વિકાસ અધિકારી)ને સૂચના આપવામાં આવી રહી છે. તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને તેમના વિસ્તારમાં ચાલી રહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રોજેક્ટની સ્થિતિ આપવા આદેશ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગ્રામપંચાયતની ચૂંટણી રાજકીય પક્ષોના સિમ્બોલ પર લડાતી નથી, પરંતુ ચૂંટાયેલા સરપંચો જે-તે રાજકીય પક્ષોના સમર્થક હોય છે.