ગુજરાતમાં 33માંથી 29 જીલ્લામાં પેટ્રોલનો ભાવ 100ને વટાવી ગયો

0
20

24 સપ્ટેમ્બર બાદ પેટ્રોલ 1.75 તથા ડિઝલ રૂા.2.80 મોંઘુ બન્યુ,આજે પેટ્રોલમાં 29 પૈસા, ડિઝલમાં 38 પૈસાનો વધારો: અમદાવાદમાં પેટ્રોલ રૂા.100.04: રાજકોટ, જામનગર, કચ્છ અને સુરતને બાદ કરતા તમામ જીલ્લામાં ભાવ 100ની ઉપર

જુલાઈ બાદ રાંધણગેસ ચાર વખત મોંઘો થયો, 305.50નો ભાવવધારો

પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ, ઓટોવાહનોનો સીએનજી, ઔદ્યોગીક ગેસ સહિત તમામે તમામ પેટ્રોલીયમ ચીજોમાં બેફામ ભાવવધારાનો સિલસિલો હજુ જારી જ છે. આવતા દિવસોમાં પેટ્રોલીયમ પેદાશો વધુ મોંઘા થઈ શકે છે. આજે પણ પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘા થયા હતા. સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક શહેરો જીલ્લામાં પેટ્રોલનો ભાવ સદી વટાવી જ ચૂકયો છે.

33માંથી 29 જીલ્લામાં પેટ્રોલનો ભાવ 100ને વટાવી ગયો છે. માત્ર સુરત, જામનગર, રાજકોટ તથા કચ્છ જીલ્લામાં જ ભાવ ત્રણ આંકડાની નીચે છે. જો કે, હજુ એકાદ-બે વધારો થાય એટલે 100ને વટાવી જશે. આજે પેટ્રોલના ભાવમાં 29 પૈસા તથા ડીઝલમાં 38 પૈસાનો વધારો થયો હતો. રાજકોટમાં 99.79 ભાવ હતો. ડિઝલનો ભાવ 98.68 થયો હતો. જામનગરમાં પેટ્રોલનો ભાવ 99.97, કચ્છમાં 99.86 તથા સુરતમાં 99.89 હતો. રાજયમાં અન્ય તમામ જીલ્લામાં 100થી વધુ છે.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વિશ્વબજારોમાં ક્રુડતેલના ભાવો સળગી રહ્યા છે ત્યારે કરવેરામાં સરકાર ઘટાડો ન કરે તો ઐતિહાસિક ભાવમાંથી રાહત મળવાની શકયતા દેખાતી નથી અને આમ આદમી પરનો બોજ સતત વધતો રહે તેમ છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ 82.92 ડોલરે પહોંચ્યું છે જે સાત વર્ષનો સૌથી ઉંચો ભાવ છે. ઘરઆંગણે તેનો મોટો પ્રભાવ પડતો રહે તેમ છે.

કોરોના નિયંત્રણમાં આવવા સાથે દુનિયાભરમાં અર્થવ્યવસ્થા ઝડપથી પાટે ચડી રહી છે અને પરિણામે ઈંધણની ડીમાંડમાં મોટો વધારો છે સામે ઉત્પાદનમાં કોઈ વૃદ્ધિ નથી. કુદરતી ગેસને લાગેવળગે છે ત્યાં સુધી અમેરિકામાં ભાવ 12 વર્ષની ઉંચાઈએ પહોંચ્યો છે, વિશ્વસ્તરે સપ્લાઈમાં કમીને પગલે શિયાળા પુર્વે જ અનેક આશંકા શરુ થઈ હોવાથી ભાવમાં મોટો વધારો થયો છે. ઓપેક રાષ્ટ્રોએ માંગમાં મોટી વૃદ્ધિ છતાં ક્રુડ ઉત્પાદનમાં ધીમે-ધીમે તબકકાવાર વધારો કરવાનો નિર્ણય લીધો છે. ઉંચા ભાવ રાખવાની મુરાદ છે.

ક્રુડની વૈશ્વીક તેજીની અસર ઘરઆંગણે પડવાનું સ્વાભાવિક છે. અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડિઝલ ઉપરાંત ગેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં રાંધણગેસમાં સીલીન્ડરદીઠ 305.50નો વધારો થયો છે. સરકારે સમયાંતરે રાંધણગેસમાં ભાવવધારો કરીને મોટાભાગના શહેરોમાં સબસીડી ખત્મ કરી નાખી છે. જુલાઈ મહિના બાદ રાંધણગેસમાં ગઈકાલે ચાર વખત ભાવવધારો કરાયો છે.