ગુજરાત પરથી ‘શાહિન’નો ખતરો ટળ્યો: ભારે વરસાદની આગાહી

0
29

અત્યારે ‘શાહિન’ કચ્છ-દ્વારકા વચ્ચેના દરિયામાં ડિપ્રેશનમાં, 12 કલાકમાં ફંટાઈ જવાની શક્યતા: સૌરાષ્ટ્ર-ગુજરાત પર વાવાઝોડાનો ખતરો નથી પણ 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદની વચ્ચે ‘શાહિન’ નામના વાવાઝોડાનો ખતરો મંડરાવાનું શરૂ થઈ ગયું હતું. જો કે રાહતની વાત એ છે કે રાજ્ય ઉપરથી હવે વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ‘શાહિન’ હજુ વાવાઝોડામાં તબદીલ થયું નથી અને અત્યારે તે ‘ગલ્ફ ઑફ કચ્છ’ મતલબ કે દ્વારકા-કચ્છ વચ્ચેના દરિયામાં ડિપ્રેશનમાં છે. આગામી 12 કલાક દરમિયાન તેમાં મૂવમેન્ટ આવી શકે છે પરંતુ તે અહીંથી સીધું નોર્થવેસ્ટ મતલબ કે પાકિસ્તાન તરફ ફંટાઈ જશે એટલે ગુજરાત કે સૌરાષ્ટ્ર ઉપર વાવાઝોડાનો કોઈ ખતરો અત્યારે દેખાઈ રહ્યો નથી. જો કે આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડે તેવી પૂરી શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત, સેન્ટ્રલ મહારાષ્ટ્ર અને કોંકણ તેમજ ગોવામાં અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત પશ્ચીમ બંગાળ, મરાઠવાડા, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ જોરદાર વરસાદ પડી શકે છે. જ્યારે પશ્ચીમ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તામીલનાડુ, પોંડીચેરી અને કેરળમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે આગામી 24 કલાક દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે વાવાઝોડાની આશંકાને પગલે અલગ-અલગ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.

દરમિયાન ગઈકાલે ચક્રવાતી તોફાન ગુલાબ નબળું પડીને ડિપ્રેશનમાં બદલાઈ ગયું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં પેદા થયેલું ચક્રવાત ‘ગુલાબ’ બે-ત્રણ દિવસમાં ચક્રવાત શાહિનના રૂપમાં ફરીથી પેદા થઈ શકે છે. તોફાનને ‘શાહિન’નું નામ કતરે આપ્યું છે જે હિન્દ મહાસાગરમાં એક ટ્રોપિકલ ચક્રવાતના નામકરણ માટે સભ્ય દેશોનો હિસ્સો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તેલંગણા અને તેના સાથે જોડાયેલા મરાઠવાડા અને વિદર્ભ સહિતના વિસ્તારોમાં ડિપ્રેશનનું કેન્દ્ર બનેલું છે જેના કારણે એનડીઆરએફની એક ટીમને મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ‘ગુલાબ’ના અવશેષથી અરબ સાગરનની ઉપર હવે વધુ એક ચક્રવાત શાહિન બની શકે છે. ચક્રવાત ગુલાબને કારણે વિકસિત થયેલી મોસમ પ્રણાલી આજે સાંજ સુધીમાં ઉત્તર પૂર્વ અરબ સાગર અને તેની સાથે જોડાયેલા ગુજરાતના દરિયાકાંઠેથી ફંટાઈ જવાની સંભાવના છે.