દિવાળીમાં એસ.ટી. 1500 એકસ્ટ્રા બસો દોડાવશે,6 કરોડની કમાણી થશે

0
20

ઓનલાઈન બુકીંગનો આંકડો પણ દૈનિક 40 હજારે પહોંચી ગયો

દિવાળીના તહેવારો હવે એકદમ નજીક આવી ગયા છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજયના એસટી નિગમ દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં વધારાની બસો દોડાવવાનું આયોજન હાથ ધર્યુ છે અને રાજયભરમાં જુદા જુદા રૂટો પર એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે. આ અંગેની એસટી નિગમના અધિકારી સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ આગામી તા.29 થી 4-10 દરમ્યાન રાજકોટ સહિત રાજયભરમાં એસટી નિગમ દ્વારા 1500 થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે.

ખાસ કરીને આ 1500 એકસ્ટ્રા બસો પૈકી સૌથી વધુ સુરત ખાતેથી વધારાની બસો ઓપરેટ કરવામાં આવશે. ખાસ કરીને સુરતથી રત્ન કલાકારોને સૌરાષ્ટ્ર આવવા માટે સૌથી વધુ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે. એસટી નિગમના સૂત્રોમાંથી મળી રહેલી વધુ વિગતો મુજબ એસટી તંત્ર દ્વારા તા.29 થી જે 1500 એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે તેમાંથી 1000 વાહનો માત્ર સૂરતથી જ ઓપરેટ કરવામાં આવશે જયારે 200 વાહનો અમદાવાદથી અને 125 એકસ્ટ્રા બસો રાજકોટથી દોડાવવામાં આવનાર છે.

વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ દિવાળીના સમય દરમ્યાન સુરતમાં વસતા સૌરાષ્ટ્રના રત્નકલાકારોનો સૌરાષ્ટ્ર તરફ આવવા માટે સૌથી વધુ ટ્રાફીક રહે છે જેને ધ્યાને લઈ સુરતથી રત્ન કલાકારોને સૌરાષ્ટ્ર આવવા માટે 1000 જેટલી એકસ્ટ્રા બસો સુરતથી દોડાવવામાં આવનાર છે. આ ઉપરાંત સુરતથી પંચમહાલ અને ઉતર ગુજરાતનાં લોકો વતનમાં જઈ શકે તે માટે પણ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે.

એસટી નિગમના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ જો કોઈ ગ્રુપ એક સાથે 50થી વધુ વ્યક્તિઓનું બુકીંગ કરાવે તો તેવા ગ્રુપને એસટી તંત્ર દ્વારા સ્પેશ્યલ બસ ફાળવવામાં આવનાર છે અને આ પ્રકારે સુરતથી સૌરાષ્ટ્ર તરફ આવવા માટે અત્યારથી જ 470 જેટલી બસોનું બુકીંગ પણ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.

એસટી નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી પંચમહાલ આવવા માટે રોજની 150 એકસ્ટ્રા બસો તા.29 થી દોડાવવામાં આવનાર છે અને આગામી દિવાળીના તહેવારો અનુસંધાને એડવાન્સ ઓનલાઈન બુકીંગમાં પણ ધસારો અત્યારથી જ શરુ થઈ ગયો છે. એસટી નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં રોજની 40 હજાર જેટલી ઓનલાઈન ટિકીટનું બુકીંગ થઈ રહ્યું છે અને દિવાળી નજીક આવતા આ બુકીંગના પ્રમાણમાં હજુ વધારો થાય તેવી પુરી સંભાવના છે.અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે ગત વર્ષે કોરોનાના કારણે એકસ્ટ્રા સંચાલન થકી એસટી નિગમને ખાસ નોંધપાત્ર આવક થઈ ન હતી. વર્ષ 2020માં એકસ્ટ્રા સંચાલન થકી એસટી નિગમને રૂા.4.40 કરોડની વધારાની આવક થઈ હતી. જો કે ચાલુ વર્ષે એકસ્ટ્રા સંચાલન થકી રૂા.6 કરોડની આવકનો લક્ષ્યાંક રાખેલ છે.