નરોડામાં મોડી રાત્રે કિન્નરને લિફ્ટ આપતા વેપારી જોરદાર ભરાયો

0
17

શહેરમાં રહેતા એક વેપારી કામ પતાવીને ઘરે જતા હતા. ત્યારે મોડી રાત્રે કિન્નરના સ્વાંગમાં રહેલા એક વ્યક્તિએ લિફ્ટ માંગી આ વેપારીને ઘરે મૂકી જવા કહેતા વેપારીએ મદદ કરી હતી. પણ મદદ કરવામાં આ વેપારીને એક ગલીમાં લઈ જઈ કિન્નરના સ્વાંગમાં આવેલા વ્યક્તિએ તેની સાથેના શખશ સાથે મળી વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લૂંટી લીધો હતો. સમગ્ર બાબતને લઈને વેપારીએ ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

નાના ચિલોડા પાસે રહેતા કમલભાઈ મોરવાણી રતનપોળમાં વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ઓક્ટોબર માસમાં તેઓ દુકાનેથી કામ પતાવી કાલુપુર તરફ ગયા હતા. જ્યાં કામ પતાવી ઘર તરફ જતા હતા. મોડી રાત્રે સાડા બારેક વાગે તેઓ નરોડા પાટિયા પાસે પહોંચ્યા ત્યારે રસ્તામાં એક કિન્નરના સ્વાંગમાં ઉભેલા વ્યક્તિએ હાથ બતાવતા કમલભાઈએ તેમનું વાહન રોકયું હતું. કિન્નરના સ્વાંગમાં ઉભેલા વ્યક્તિએ ઘરે જવાનું મોડું થઈ ગયું હોવાથી મદદ માંગી અને કોઈ રિક્ષાવાળા આવવા તૈયાર ન હોવાથી કમલભાઈએ તેઓને મદદ પુરી પાડી હતી. બાદમાં કમલભાઈ આ કિન્નરના સ્વાંગમાં રહેલા વ્યક્તિને વાહન પર બેસાડી ત્યાંથી નીકળ્યા હતા.

આ શખશે નરોડા બેઠક તરફ વાહન લઈ જવાનું કહેતા કમલભાઈ તે તરફ જતા હતાં. ત્યાં નરોડા જીઆઇડીસીની ગલીમાં વાહન લેવાનું કહેતા પોસ્ટ ઓફિસ આવી અને બાદમાં ત્યાં જ એક શખ્સ આવી ગયો હતો. આ શખશે મારી બહેનને કેમ ફરવા લઈ ગયો હતો કહીને બબાલ શરૂ કરી હતી.
કમલભાઈએ જણાવ્યું કે, માસીબા એ મદદ માંગી જેથી તેઓને ઘરે મુકવા જતો હતો. પણ કિન્નરના સ્વાંગમાં રહેલા વ્યક્તિ અને સાથેના શખશે તારી પાસે જે કઈ હોય એ આપી દે નહિ તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવાની શરૂઆત કરી હતી. આ બંને શખશોએ બાદમાં કમલભાઈને માર મારી ઝપાઝપી કરી બે વીંટી અને રોકડા સહિત 34 હજારની મતા લૂંટી લીધી હતી.
સમગ્ર બાબતે તપાસ કરતા લિફ્ટ માગનારનું નામ નિરજ ઉર્ફે નીલુમાસી વણઝારા હોવાનું સામે આવ્યું હતું. આખરે કમલભાઈએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.