પરમબીર સિંહનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન, કહ્યું શ્વાસ લેવાની પરવાનગી મળશે તો બહાર આવીશ

0
13

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સુરક્ષાની માગ કરી છે.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સુરક્ષાની માગ કરી છે. કોર્ટે કહ્યું કે પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને હાલમાં સુરક્ષા નહીં મળે, સિવાય કે તે ક્યાં છે તે જણાવવામાં ન આવે. શું તમે દેશમાં છો? શું તમે દેશની બહાર છો? જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે “તમે કોઈ તપાસમાં જોડાયા નથી. તમે પ્રોટેક્શન ઓર્ડર માટે અરજી કરી છે. અમારી શંકા ખોટી હોય શકે પણ તમે ક્યાંક વિદેશમાં હોવ અને સુપ્રીમ કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા હોવ તો અમે કેવી રીતે એ આપી શકીએ?” સુપ્રીમ કોર્ટે કહ્યું કે “22 નવેમ્બરે જણાવો કે પરમ બીર ક્યાં છે.” આ સમગ્ર મામલે પરમબીર વતી કહેવામાં આવ્યું હતું કે “જો મને શ્વાસ લેવા દેવામાં આવશે તો હું બહાર આવીશ. આ મામલામાં આગામી સુનાવણી 22 નવેમ્બરે થશે.

આ પહેલા મુંબઈની કોર્ટે પરમબીર સિંહને ફરાર ગુનેગાર જાહેર કરવાની મંજૂરી આપી હતી. જે બાદ હવે મુંબઈ પોલીસ તેને વોન્ટેડ આરોપી જાહેર કરી શકે છે અને મીડિયા સહિત તમામ સંભવિત સ્થળોએ તેને ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. જાણકારી અનુસાર જો તે 30 દિવસમાં સામે નહીં આવે તો મુંબઈ પોલીસ તેની પ્રોપર્ટી જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે 22 જુલાઈના રોજ મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશને પરમ બીર સિંહ, અન્ય પાંચ પોલીસકર્મીઓ અને અન્ય બે વિરુદ્ધ એક બિલ્ડર પાસેથી 15 કરોડ રૂપિયાની કથિત રીતે માગણી કરવા બદલ કેસ નોંધ્યો હતો. આરોપ છે કે આરોપીઓએ એકબીજા સાથે મળીને ફરિયાદીની હોટલ અને બાર સામે કાર્યવાહીનો ડર બતાવીને 11.92 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી થયા પછી પણ તે લાપતા છે.