પેંડોરા પેપર્સ: પુટીન, ટોની બ્લેર, જોર્ડનના કિંગ સહિત અનેકના છુપા રોકાણનો ઘટસ્ફોટ

0
18

પુટીને 130 બીલીયન ડોલર દેશ બહાર સેરવી દીધાનો ખુલાસો: ટોની બ્લેરે વિદેશી નાણાથી લંડનમાં ઓફીસ ખરીદી

વોશિંગ્ટન પોષ્ટ- ધ ગાર્ડીયન અને ઈન્ડીયન એકસપ્રેસના 600 પત્રકારોએ તરખાટ મચાવ્યો

 

પનામા પેપર્સની સ્ટાઈલથી જ જાહેર થયેલા પેંડારા પેપર્સમાં ભારતીયો સહિતના વૈશ્વીક ધનપતિઓ રાજનેતાઓ તથા સેલીબ્રીટીઓના વિદેશી રોકાણો અંગે ઘટસ્ફોટ થતા જબરી સનસનાટી મચી ગઈ છે. આ નવા ઘટસ્ફોટમાં 12 જેટલા સરકાર અને દેશના વડાઓના નામો જાહેર થયા છે.

જેમાં જોર્ડનના રાજા અને કુર્ઝ રીપબ્લીકના વડાપ્રધાન સહિતના ટોચના મહાનુભાવોની વિદેશમાં જંગી મિલ્કતો અને રોકાણો જાહેર થયા છે તથા આ રાષ્ટ્રવડાઓ સાથે જોડાયેલી સનસનીખેજ માહિતી પણ બહાર આવી છે. જેમાં રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીનની અન ઓફીશ્યલ મીનીસ્ટર ફોર પ્રોપેગંડા અને રશિયા, અમેરિકા, તુર્કીના 130 થી વધુ અબજોપતિઓના નામ પણ ખુલ્યા છે.

વોશિંગ્ટન પોષ્ટ અને ધ ગાર્ડીયન સહિતના દૈનિકના 600 જેટલા પત્રકારોની તપાસમાં આ પેંડારા પેપર્સ જાહેર થયા છે અને 14 ફાઈનાન્સીયલ કંપનીના 11.9 મીલીયન દસ્તાવેજો જાહેર કર્યા છે. વિદેશમાં બેનામી કંપનીઓ ટ્રસ્ટો વિ. રચીને નાણા છુપાવ્યા કે રોકાણ કરવાની આ પ્રવૃતિઓમાં મોટી કરચોરીની પણ જાહેરાત થઈ શકે છે. ભારતના 300 જેટલા લોકો જેમાં નિરવ મોદી જેવા ભાગેડુ અને પુર્વ સાંસદ તથા અન્ય સેલીબ્રીટી હવે તપાસના રડાર પર આવી શકે છે.

ભારતમાં ઈન્ડીયન એકસપ્રેસ આ તપાસમાં જોડાયુ હતું. જયારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન તથા તેની કેબીનેટના મંત્રીઓ પણ સામેલ છે. ઉપરાંત જોર્ડનના મહારાજા યુક્રેઈનના પ્રમુખ, કેન્યા, ઈકવાડોરના રાષ્ટ્રવડા, બ્રિટનના પુર્વ વડાપ્રધાન ટોની બ્લેરના રોકાણ પણ સામેલ છે. કુલ 2.94 ટેટાબાઈટના દસ્તાવેજો જાહેર થયા છે. જોર્ડનના કિંગ અબ્દુલ્લા બીજા એ સ્વીત્ઝરલેન્ડના બેન્ક ખાતાનો ઉપયોગ કરીને અમેરિકાના કેલીફોર્નિયામાં સમુદ્ર કિનારે 14 લકઝરી ઘર ખરીદ્યા હતા.

કુર્ઝના વડાપ્રધાન એન્ટ્રેજ બાર્બીએ 2009માં ફ્રેન્ચ રીપેરામાં અતિ વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા અને આ માટે 22 મીલીયન ડોલર દેશ બહાર મોકલ્યા હતા. બ્રિટીશ વડાપ્રધાન ટોની બ્લેર તથા તેમના પત્ની એ વિદેશી રોકાણ મારફત 4,22,000 ડોલર વિદેશી ભંડોળ મારફત લંડનના જ મેરીલેબોને ક્ષેત્રમાં 9 મીલીયન ડોલરની ઓફીસ ખરીદી હતી જે બહેરીનના એક મંત્રીની માલીકીનો હતો તો પાકના વડાપ્રધાન ઈમરાનખાને તથા તેમના હાલના અને પુર્વ મંત્રીઓએ પણ લાખો ડોલરની મિલ્કતો વિદેશમાં વસાવી છે.