બર્થ-ડેની દિવ્યાંગ-ગરીબોને ૫૫૦ કેક વહેંચી કરી અનોખી ઉજવણી

0
27

કાંદિવલીના યુવકના જન્મદિવસે ૨૦૦ સંસ્થાએ આટલી કેક મોકલીને અસંખ્ય ઘરવિહોણા અને નિરાધાર લોકોનું મોં મીઠું કરાવ્યું

કાંદિવલીનો એક યુવક એકસાથે ૫૫૦ કેક કાપીને પોતાના બર્થ-ડેની ઉજવણી કરતો હોય એવો વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. કોવિડના સમયમાં આટલી મોટી સંખ્યામાં કેક કાપવા માટેના યુવાનના ઉદ્દેશ સામે સવાલ કરવામાં આવી રહ્યો છે ત્યારે જાણવા મળ્યું હતું કે ૩૨ વર્ષના યુવકના જન્મદિવસે નાની-મોટી મળીને કુલ ૨૦૦ સંસ્થાએ ૫૫૦ કેક દિવ્યાંગ અને ગરીબ લોકો માટે મોકલી હતી. આ કેક પર માત્ર ચાકુ અડાડીને કેકને ફરી પૅક કરીને મલાડથી લઈને મીરા રોડ સુધીમાં રહેતા લોકોને મોકલવામાં આવી હતી. સેવાભાવી સંસ્થાઓના પ્રયાસથી યુવકનો બર્થ-ડે અનોખો બની ગયો હતો.
કાંદિવલી (પશ્ચિમ)માં આવેલા જલારામ મંદિરના સહયોગથી મંગળવારે મધરાતે અહીંની એક સોસાયટીમાં ૩૨મા વર્ષમાં પ્રવેશ કરી રહેલા સૂર્યા રાતુડી નામના યુવકના જન્મદિવસ નિમિત્તે ૫૫૦ કેક લાવવામાં આવી હતી. આ સમયે ૧૦૦ જેટલા ગરીબ-દિવ્યાંગોની હાજરીમાં સૂર્યા રતુડીએ તમામ કેકને માત્ર ચાકુ અડાવ્યું હતું અને કેકને રીપૅક કરાવીને કાંદિવલીના પોઇસર વિસ્તાર સહિત મલાડથી મીરા રોડના વિસ્તારમાં પહોંચાડવામાં આવી હતી. આ બર્થ-ડેની ઉજવણીનો વિડિયો ગઈ કાલે સવારે વાઇરલ થતાં કોવિડના સમયમાં આવા આયોજન સામે સવાલ ઊભા કરાયા હતા.
આવા અનોખા આયોજન બાબતે કાંદિવલીમાં રહેતા સૂર્યા રતુડીએને કહ્યું હતું કે ‘મારા પિતા અહીંના જલારામ મંદિર સાથે ૧૯૭૩થી સંકળાયેલા છે.

બાપાની કૃપાથી અમે સામાજિક કાર્ય કરીએ છીએ. અમારી નરસિંહા ગ્રુપ સંસ્થા સાથે નાની-મોટી ૨૦૦ જેટલી સેવાભાવી સંસ્થાઓ જોડાયેલી છે. મંદિરમાં દરરોજ ભંડારો થાય છે અને દર ત્રણ મહિને ગરીબોને અનાજનું વિતરણ કરવામાં આવે છે. કોવિડની આજની સ્થિતિમાં સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે ત્યારે ગરીબ અને નિરાધાર લોકોનું કોણ? તેમને પણ જીવનમાં કેટલીક આનંદની પળ માણવાનો અધિકાર છે. અહીં અનેક બાળકો એવાં આવે છે જેઓ કેક શું હોય છે અને એનો સ્વાદ કેવો હોય છે એ જાણતાં નથી. મંદિર સાથે સંકળાયેલા કેટલાક મિત્રોએ મારા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગો અને ગરીબોને કેક વહેંચવાનો પ્લાન બનાવ્યો હતો. આથી ૨૦૦ જેટલી સંસ્થાઓએ અમને ૫૫૦ કેક મોકલી આપી હતી. આ કેક કાપવાને બદલે માત્ર છરી અડાડીને સોસાયટીમાં હાજર ૧૦૦ જેટલા લોકોને વહેંચવાની સાથે મલાડથી મીરા રોડ સુધીના વિસ્તારમાં રહેતા ગરીબોને પૅક કરીને પહોંચાડવામાં આવી હતી.’