બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી અંગે કોર્ટનો આદેશ ન માને તો સરકાર સામે કન્ટેમ્પ્ટ કરો : ચીફ જસ્ટિસ

0
14

રાજ્યભરમાં ફાયર સેફટી અને બી.યુ. પરમિશનના અભાવ મામલે સરકારની નિષ્ફળતા અંગે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઇ હતી. અરજદારે એવી દલીલ કરી હતી કે, સુપ્રીમ અને હાઇકોર્ટે 4 વખત સરકારને જવાબદારો સામે પગલાં લેવા અને ફાયર સેફટીનો અમલ કરાવવા આદેશો કર્યા છે છતાં સરકાર મુદતો લઇને સમય પસાર કરે છે.

ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, સરકાર કોર્ટના હુકમનું પાલન ન કરે તો તેની સામે કન્ટેમ્પટ પિટિશન કરો. જયારે સરકાર તરફે એવો બચાવ કરવામાં આવ્યો હતો કે, અરજદારની દલીલ સાચી છે પરતું આ કામ ઘણું જ કપરું છે અને વધુ સમય માગી લેનારું છે. ખંડપીઠે સરકારને એક સપ્તાહનો સમય આપીને ટુ ધી પોઇન્ટ લાંબા અને ટૂંકા ગાળાના શું પગલા લીધા તેનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

હાઇકોર્ટના એડવોકેટ અમિત પંચાલે એવી રજૂઆત કરી હતી કે, સુપ્રીમ અને હાઇકોર્ટે રાજય સરકારને 4 વખત ચોક્કસ પગલા લેવા આદેશ કર્યા છે છતાં સરકારે આજદિન સુધી કોઇ પગલા લીધા નથી. કયા-કયા પગલાં લેવા તે અંગે પણ કોર્ટે હુકમ કર્યા છે પરતું સરકાર જવાબદારીમાંથી હાથ ખંખેરે છે.

રાજ્યની 48% હોસ્પિટલો પાસે બીયુ નથી
સરકારે એવી રજૂઆત કરી હતી કે, બીયુ પરમિશનની કામગીરીના પ્રારભિંક તબક્કામાં છીએ. તેના માટે યોગ્ય માળખંુ ગોઠવી રહ્યા છીએ. બી.યુ પરમિશન અને ફાયર સેફટીનું કામ લાંબો સમય માગી લેનારું છે. અમારો ઇરાદો હોવા છતા બીયુ પરમિશનની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરી શકયા નથી. રાજ્યની 48 ટકા હોસ્પિટલો પાસે બીયુ પરમિશન નથી.