બીસીસીઆઇ ૩૬૦૦૦ કરોડ રૂપિયા કમાશે

0
22

આઇપીએલના પાંચ વર્ષ માટેના પ્રસારણના હક વેચીને ૧૬,૩૪૮ કરોડ રૂપિયાના બમણાથી પણ વધુ મળવાનો મોકો

ક્રિકેટજગતનું સૌથી શ્રીમંત બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) આઇપીએલના ટીવી તથા ડિજિટલ બ્રૉડકાસ્ટ રાઇટ્સ વેચીને વર્તમાન કરાર કરતાં બમણાથી વધુ રૂપિયા કમાઈ શકે એમ છે. એને અઢી બિલ્યન ડૉલરને બદલે હવે પાંચ બિલ્યન ડૉલર મળી શકશે.

સ્ટાર ઇન્ડિયા સાથેના ૨૦૧૮થી ૨૦૨૨ સુધીનાં પાંચ વર્ષના પ્રસારણના હક બદલ બીસીસીઆઇને કુલ ૧૬,૩૪૭.૫૦ કરોડ રૂપિયા મળી રહ્યા છે. જોકે હવે પછીના નવા કૉન્ટ્રૅક્ટ (૨૦૨૩-૨૦૨૭)માં બોર્ડને ૩૬,૦૦૦ કરોડ રૂપિયા મળી શકે, કારણ કે બીસીસીઆઇના નવા બ્રૉડકાસ્ટ રાઇટ્સનું મૂલ્ય હવે બમણું થવાની તૈયારીમાં છે, એમ પીટીઆઇના સંદેશામાં કેટલાક નિર્ણય લેતી સત્તાના મંતવ્યને ટાંકીને જણાવાયું હતું.

સ્ટાર પહેલાં સોની કરારબદ્ધ હતી.આઇપીએલના પ્રસારણના હકો ખરીદવા માગતી કોઈ પણ વિદેશી કંપનીની ભારતમાં સબસીડિયરી કંપની હોવી જરૂરી છે. ગયા વખતે સ્ટાર ઇન્ડિયા અને સોનીએ રસ બતાવ્યો હતો. ૨૦૦૮થી ૨૦૧૭ સુધી સોનીએ બીસીસીઆઇ સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો હતો. સ્ટાર ગ્રુપની ભારતમાં ધ વૉલ્ટ ડિઝની કંપની ઇન્ડિયા નામની સબસીડિયરી છે. સોની પણ ભારતમાં સબસીડિયરી ધરાવે છે.પચીસમીએ નવી બે ટીમની જાહેરાતબીસીસીઆઇ પચીસમી ઑક્ટોબરે દુબઈમાં ટેન્ડર ઇન્વિટેશન બહાર પાડશે એવી ધારણા છે. એ જ દિવસે આઇપીએલની નવી બે ટીમના નામની જાહેરાત કરાશે.“બીસીસીઆઇ હદ બહાર સક્ષમ અને કાબેલ સંસ્થા તો છે જ, ક્રિકેટમાં કાર્યવ્યવસ્થાની દૃષ્ટિએ અને આર્થિક રીતે એનું કદ ડાયનાસૉર જેવું કહી શકાય. ૧૪ વર્ષથી આઇપીએલનું આયોજન કરવું એ કંઈ ખાવાના ખેલ નથી. દર વર્ષે આઇપીએલ વિશ્વની કોઈ પણ ટુર્નામેન્ટ કરતાં વિશાળ સાબિત થતી જાય છે.” પંકજ ખીમજી, ઓમાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન

મૅન્ચેસ્ટર યુનાઇટેડની આઇપીએલમાં ટીમ બનશે? ૨૦૨૨ના વર્ષથી આઇપીએલમાં બે ટીમ ઉમેરાશે અને એને માટેની પ્રક્રિયામાં કેટલાક હાઈ-પ્રોફાઇલ દાવેદારો સામેલ થઈ રહ્યા હોવાનું મનાય છે. ફુટબૉલ જગતની જાણીતી બ્રિટિશ ક્લબ મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)ની માલિકી ધરાવતા ગ્લેઝર ફૅમિલીએ આઇપીએલ ટીમ બિડને લગતા દસ્તાવેજો મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કહેવાય છે કે એમયુના માલિકોએ આઇપીએલની ટીમ ખરીદવામાં રસ બતાવ્યો એટલે જ કદાચ સૌરવ ગાંગુલીના પ્રમુખપદ હેઠળની બીસીસીઆઇએ ઇન્વિટેશન ટુ ટેન્ડર (આઇટીટી) ખરીદવા માટેની તારીખ લંબાવી હતી.

એક ટીમ વેચવાના ૭૦૦૦થી ૧૦૦૦૦ કરોડ રૂપિયા મળી શકેબીસીસીઆઇ બે નવી ટીમ વેચવા જઈ રહી છે. એટલે હવે ૨૦૨૨ની આઇપીએલમાં ૮ને બદલે ૧૦ ટીમ જોવા મળશે. બીસીસીઆઇને નવી એક ટીમ વેચવાના ૭૦૦૦ કરોડ રૂપિયાથી માંડીને ૧૦,૦૦૦ કરોડ રૂપિયા મળવાની ધારણા છે.જે બે નવી ટીમોની વાત થઈ રહી છે એમાં ગુજરાતની એક ટીમ હોવાની પાકી સંભાવના છે.