બોલો..! મારો વૉડકા કેમ પીધો કહીને છોકરીએ ફ્રેન્ડને માર મારી ગોંધી રાખી

0
19

હૅન્ગઓવર પછી જાગેલી ક્લૅરિટી કેનેડીએ તેની મિત્ર લૉરા ક્રિડન પર પોતાની ૮૦ પાઉન્ડ (લગભગ ૮૦૦૦ રૂપિયા)ના વૉડકાની બૉટલ પીવાનો આરોપ મૂક્યો છે

બ્રિટનની ૧૮ વર્ષની એક છોકરીએ તેની મિત્રની મોંઘી વૉડકા પીવા માટે પોતાની મિત્રને તેના ફ્લૅટમાં બંધક બનાવી રાખી હતી. પોતાનો ૧૮મો જન્મદિવસ ઊજવ્યા બાદ સવારે હૅન્ગઓવર પછી જાગેલી ક્લૅરિટી કેનેડીએ તેની મિત્ર લૉરા ક્રિડન પર પોતાની ૮૦ પાઉન્ડ (લગભગ ૮૦૦૦ રૂપિયા)ના વૉડકાની બૉટલ પીવાનો આરોપ મૂક્યો છે. અદાલતમાં કરવામાં આવેલી રજૂઆત મુજબ સૌપ્રથમ ક્લૅરિટી કેનેડીએ તેની મિત્ર લૉરા ક્રિડન પાસે વૉડકાના પૈસાની માગણી કરી, પરંતુ તે ન માનતાં ૮ ઇંચ લાંબા રસોડામાં વપરાતા ચાકુની મદદથી તેને ધમકાવીને તેના પર હુમલો કર્યો હતો. જોકે વાત અહીં જ નહોતી અટકી, ક્લૅરિટીએ તેની મિત્રને ફ્લૅટમાંથી બહાર જવા દેવાનો ઇનકાર કરતાં તેના માથા પર અનેક વાર ખાલી બૉટલ ફટકારતાં યુવતીને શરીર પર ઉઝરડા પડ્યા હતા. વિવાદ શરૂ થયાના લગભગ બે કલાક પછી લૉરા ક્રિડન પાર્ટીમાં રોકાયેલા તેના મિત્રની મદદથી ફ્લૅટમાંથી નાસી છૂટવામાં સફળ રહી હતી. તેણે આખી ઘટનાની પોલીસ-સ્ટેશને રજૂઆત કરી હતી, જેમણે અપહરણની શંકાના આરોપસર ક્લૅરિટીની ધરપકડ કરી હતી. જોકે સોમવારે ૧૮ વર્ષની ક્લૅરિટીએ વૉરવિક ક્રાઉન કોર્ટમાં હાજર થઈને પોતાની ભૂલ કબૂલી લીધી હતી.