ભરૂચ ધર્માંતરણ કેસમાં 100 હિન્દુઓને લાલચ આપી ઇસ્લામ અંગીકાર કરાવ્યાનો આક્ષેપ

0
15

ભરૂચ પોલીસે જિલ્લામાં ચાલતા ધર્માંતરણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આમોદના કાંકરિયા ગામે ગરીબોને આર્થિક લાલચ આપીને ધર્માંતરણ કરાવાતું હતું. આક્ષેપ છે કે 100 હિન્દુઓને લાલચ આપીને ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવાયો છે. કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ હિન્દુઓને આર્થિક લાલચ આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે. આ મુદ્દે મૌલવી સહિત 9 શખ્સો સામે આમોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસના દાવા પ્રમાણે, કાંકરિયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેરકાયદે ધર્માંતરણ થઈ રહ્યું હતું. કેટલાંક કટ્ટરવાદી લોકો વિદેશમાંથી ફંડ ભેગુ કરી ધર્માંતરણની પ્રવૃતિ કરતા હતાં. ગરીબોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ આપવામાં આવતી હતી.

લોકોની આર્થિક સ્થિતિ તથા તેમની અજ્ઞાાનતાનો લાભ લઈ છળકપટ કરાતી હતી. કાંકરિયા ગામના હિન્દુ લોકોના 37 પરિવારોના 100 થી વધારે લોકોને લોભ-લાલચ આપી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરાવાયા હતાં.

આ સમગ્ર પ્રકરણમાં મૂળ નબીપુરનાં અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલની સંડોવણી સામે આવી છે. અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં તેની સંડોવણી બહાર આવી ચૂકી છે. આ પ્રવૃતિ અંગે કાંકરિયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ આપતા સમગ્ર નેટવર્ક સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન કરાવવા માટે સરકારના નિયમો જોતા તેનું પાલન થયું નથી.