ભારતમાં કોરોનાની બીજી લહેર કરતા પણ બ્રિટનમાં હાલ ભયાનક સ્થિતિ

0
18

બ્રિટનમાં દર 10 લાખે 571 લોકો સંક્રમીત: ભારતમાં બીજી લહેરમાં આંકડો 333નો હતો

દેશમાં કોરોનાના કેસો ભલે ઓછા હોય તેમ છતાં કોરોના મામલે સાવધ રહેવું જરૂરી છે. કારણ કે અમેરિકા, બ્રિટન સહિતના દેશોમાં કોરોના ફરી માથુ ઉંચકવા લાગ્યો છે.

બ્રિટને દુનિયાના અનેક દેશોને રેડ લિસ્ટમાં સામેલ કર્યા છે. સાથે સાથે ભારતથી જનારા લોકો માટે 10 દિવસનું કવોરન્ટાઈન ફરજીયાત કર્યું છે. પરંતુ આંકડા બતાવે છે કે બ્રિટનમાં કોરોનાની હાલની પરીસ્થિતિ ભારતમાં આવેલી બીજી લહેર કરતા પણ ખતરનાક છે ત્યાં દર 10 લાખની વસ્તીએ સંક્રમણના 571 કેસ બહાર આવી રહ્યા છે.

આ સંખ્યા ભારતમાં બીજી લહેર દરમિયાન થયેલા સંક્રમણ કરતા વધારે મોટી છે. બીજી લહેરમાં પીક દરમિયાન ભારતમાં દર 10 લાખની વસ્તીએ 333 સંક્રમણના કેસ હતા. આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે દુનિયા પ્રત્યે બ્રિટનની નીતિ ભેદભાવ ભરેલી છે. જેના કારણે ભારતે પણ બ્રિટનના નાગરિકો માટે તેવા જ નિયમ લાગુ કરવા પડયા હતા.

અમેરિકામાં દરરોજ સરેરાશ એક લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે. અમેરિકાની વસ્તી 33 કરોડની છે ત્યાં દર 10 લાખે 303 કોરોનાના કેસો આવી રહ્યા છે. હાલ ભારતની સ્થિતિ રાહતદાયક છે. અત્યારે ભારતમાં દર 10 લાખની વસ્તીએ કોરેનાના માત્ર નવા 16 કેસ આવે છે. વધારે કેસોના મામલે રશિયાનો પણ સમાવેશ થાય છે. અહી દર 10 લાખે 160 કેસ બહાર આવે છે.