મરનારાના પરિવારને વળતર નહીં પણ ન્યાય જોઈએ : પ્રિયંકા વાડ્રા

0
18

આખરે મિનિસ્ટર મિશ્રાના દીકરા વિરુદ્ધ સમન્સ

કૉન્ગ્રેસનાં જનરલ સેક્રટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે લખીમપુર ખેરી ઘટનાની તપાસ કોઈ સુપ્રીપ્રિમ કોર્ટ અથવા હાઈ કોર્ટના વર્તમાન જજ દ્વારા કરવામાં આવી જોઈએ. તેમ જ તટસ્થપણે તપાસ થાય એ માટે રાજ્ય કક્ષાના કેન્દ્રિય પ્રધાન અજય કુમાર મિશ્રાએ રાજીનામું આપવું જોઈએ, કારણ કે તેમના દીકરા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

બુધવારે પ્રિયંકા ગાંધી હિંસામાં માર્યા ગયેલા આઠ પૈકી ત્રણ વ્યક્તિઓના પરિવારજનોને મળ્યા હતા. પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે માર્યા ગયેલા પરિવારના લોકોને વળતર નહીં પરંતુ ન્યાય જોઈએ છે. તમામ પોલીસોને અમને રોકવા માટે કામ પર લગાડવામાં આવી હતી જેથી અમે પરિવારના લોકોને મળી ન શકીએ. સરકારે આરોપીઓને પકડવા માટે કોઈ પોલીસને કામે લગાડી નથી. શું પોલીસનું કામ નેતાઓને રોકવાનું છે? જ્યાં સુધી પ્રધાનને હટાવવામાં નહીં આવે તેમ જ પ્રધાનના પુત્રની ધરપકડ નહીં થાય ત્યાં સુધી હું મારી લડત ચાલુ રાખીશ.’

વિપક્ષોના ભારે હોબાળા તેમ જ સુપ્રીમ કોર્ટે કરેલી દખલ બાદ ઉત્તર પ્રદેશની પોલીસ હરકતમાં આવી ગઈ છે. ગઈ કાલે લખીમપુર ખીરી હત્યાકાંડ મામલે બે વ્યક્તિઓની પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી હતી એટલું જ નહીં, રાજ્ય કક્ષાના કેન્દ્રના પ્રધાન અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રા વિરુદ્ધ સમન્સ કાઢીને તેમને સવાલો માટે બોલાવવામાં આવ્યા છે. ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ લક્ષ્મી સિંહે જણાવ્યું હતું કે જો સમન્સ મુજબ આશિષ મિશ્રા હાજર નહીં થાય તો કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્રીજી ઑક્ટોબરે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કેન્દ્રના પ્રધાનના દીકરાના નામનો પણ સમાવેશ થયો હતો.

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને આવકારવા માટે બીજેપીના કાર્યકર્તાઓ એક જીપમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનામાં પ્રધાન અજય કુમાર મિશ્રાના ડ્રાઇવર ઉપરાંત એક પત્રકાર સહિત કુલ ૮ લોકો માર્યા ગયા હતા.