મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં ધીરજનાં ફળ કેવાં મીઠાં હોય છે તે સમજો

0
54

માત્ર શૅરોમાં રોકાણ કરવાથી જ ઊંચાં વળતર મળે છે એવા ભ્રમમાં ન રહો. શૅરોમાં જોખમ પણ ઊંચું જ રહે છે, પરંતુ મ્યુચ્યુઅલ ફન્ડ તમને નીચા જોખમે ઊંચું વળતર આપી શકે છે

જે રોકાણકારો માત્ર શૅર્સમાં કરેલા રોકાણને જ શ્રેષ્ઠ વળતર માટે આદર્શ ગણે છે એમના માટે અહીં મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણના તાજેતરના અભ્યાસનાં માત્ર પાંચ ઉદાહરણ પ્રસ્તુત કરીએ છીએ, જેણે છેલ્લાં ૨૦ વર્ષમાં રોકાણકારોને અધધધ… વળતર આપ્યું છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સની આ પાંચ ઇક્વિટી સ્કીમ્સે ૨૦ વર્ષમાં વાર્ષિક ૨૩.૮ ટકાનું વળતર આપ્યું છે, પરિણામે તેમનાં નાણાં ૭૨થી લઈને ૧૧૯ ગણા વધ્યાં છે. જોકે લોકોમાં આટલા લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવાની ધીરજ જવલ્લે જ જોવા મળે છે.

આ પાંચ મ્યુચ્યુઅલ ફન્ડની યાદીમાં સૌથી ટોચે આવે છે, રિલાયન્સ મ્યુચ્યુઅલ ફન્ડનું નિપ્પોન ઇન્ડિયા ગ્રોથ ફન્ડ. આ ફન્ડનો આરંભ ૧૯૯૫માં થયો હતો ત્યાંથી લઈને ૨૦ વર્ષમાં એણે વાર્ષિક ૨૭ ટકા વળતર આપ્યું છે. એનો અર્થ એ થાય કે ૨૦ વર્ષમાં તમારાં નાણાં ૧૧૯ ગણા વધ્યાં હોત. ૨૦૦૧માં રોકાયેલા બે લાખ રૂપિયા હવે વધીને લગભગ ૨.૪ કરોડ રૂપિયા થઈ ગયા હશે.

૨૦ વર્ષમાં વાર્ષિક ૨૬.૧ ટકા વળતર સાથે યાદીમાં ફ્રેન્કલિન પ્રાઇમા બીજા ક્રમે છે. આ સ્કીમ પણ મિડ કૅપ ફન્ડ છે અને ૧૯૯૯માં શરૂ કરવામાં આવી હતી. ૨૦૦૧માં ફ્રેન્કલિન પ્રાઇમામાં રોકાયેલા બે લાખ રૂપિયા હવે વધીને ૨.૦૬ કરોડ રૂપિયા થઈ ગયા હશે.

સેક્ટરલ ફન્ડ હોવા છતાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ ટેક્નૉલૉજી ફન્ડની કામગીરી છેલ્લા બે દાયકામાં શ્રેષ્ઠ રહી છે. ફન્ડે ૨૦ વર્ષમાં વાર્ષિક ૨૪ ટકાનું વળતર આપ્યું છે. ૨૦૦૧માં જો બે લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોત તો આજે એનું મૂલ્ય ૧.૪૮ કરોડ રૂપિયા હોત. આ યોજના મુખ્યત્વે સૉફ્ટવેર સર્વિસ કંપનીઓના શૅરોમાં રોકાણ કરે છે.

એસબીઆઇ મેગ્નમ ગ્લોબલ ફન્ડ ૨૦૦૧થી વાર્ષિક ૨૪ ટકાના ચક્રવૃદ્ધિ દરે વળતર આપી રહ્યું છે. આ એક એવું ફન્ડ છે, જે દેશમાં લિસ્ટેડ બહુરાષ્ટ્રીય કંપનીઓના શૅરોમાં રોકાણ કરે છે અને કેટલાક વિદેશી શૅરોમાં પણ રોકાણ કરે છે. ૨૦ વર્ષ પહેલાં કરેલા બે લાખ રૂપિયાના રોકાણની કિંમત અત્યારે ૧.૪૮ કરોડ રૂપિયા થાય છે. આ ફન્ડ ૧૯૯૪માં શરૂ થયું હતું.

એસબીઆઇ કોન્ટ્રા સ્કીમે છેલ્લાં ૨૦ વર્ષમાં વાર્ષિક ૨૩.૯ ટકા વળતર આપ્યું  છે. આ બે દાયકામાં બે લાખ રૂપિયાનું રોકાણ વધીને ૧.૪૪ કરોડ રૂપિયા થઈ ગયું હોત. નામ સૂચવે છે એમ આ સ્કીમ વિરોધાભાસી રોકાણ વ્યૂહરચનાને અનુસરે છે.

આ ફન્ડોમાં રોકાણ કરો એવી ભલામણ કરવાનો અહીં હેતુ નથી. અહીં મુદ્દો એ સાબિત કરવાનો છે કે સારી રીતે પસંદ કરેલી મ્યુચ્યુઅલ ફન્ડ્સની સ્કીમ્સમાં કરેલું લૉન્ગ ટર્મ રોકાણ બહેતર કમાણી કરાવી શકે છે.

આટલું ખાસ યાદ રાખો

અહીં એ યાદ રાખવું જરૂરી અને મહત્ત્વનું છે કે મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમમાં ભૂતકાળની કામગીરી ભવિષ્યની કામગીરીની ખાતરી આપતી નથી એટલે કે છેલ્લાં ૨૦ વર્ષમાં જે વળતર મળ્યું એ આગામી ૧૦ કે ૨૦ વર્ષમાં પણ મળશે જ એમ ખાતરીપૂર્વક માની શકાય નહીં. મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાના દરેક રોકાણના સંદર્ભમાં એક ચેતવણી અપાતી રહે છે કે મ્યુચ્યુઅલ ફન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ સબ્જેકટ ટુ માર્કેટ રિસ્ક (અર્થાત્ મ્યુચ્યુઅલ ફન્ડનું રોકાણ બજારના જોખમને આધિન હોય છે). વાત સાવ સાચી, પરંતુ જોખમ કયાં નથી? જ્યાં માર્કેટ છે, જ્યાં ઊંચા વળતરની અપેક્ષા છે ત્યાં જોખમની સંભાવના રહેવાની જ છે. રોકાણકારે સમજીને યા યોગ્ય સલાહ લઈને કરેલી સ્કીમની પસંદગી અને રોકાણ જ તેમની સફળતા બને છે. અલબત્ત, રોકાણકારે આ રોકાણને પૂરતો લાંબો સમય આપવો જરૂરી બને છે. બે-ત્રણ વર્ષમાં ઊંચા વળતરની ખાતરી માગતા કે અપેક્ષા રાખતા મોટે ભાગે નિરાશ થાય છે. આવા લાંબા ગાળાના રોકાણ કાં તો તમારાં સંતાનોના ભાવિને ધ્યાનમાં રાખી નાની ઉંમરથી કરી દેવા જોઈએ અથવા તમારી પોતાની નિવૃ‌ત્ત‌િ યોજનાના ભાગરૂપ લાંબા ગાળા માટે કરવા જોઈએ. તમે ૪૦ વર્ષના હો અને ચોક્કસ રોકાણ મૂકી દીધું હોય, જે ૬૦ વર્ષના થાવ ત્યારે આવું વળતર હાથમાં આવે તો કેવું લાગે? ધીરજનાં ફળ મીઠાં એટલે જ કહેવાય છે.

સવાલ તમારા…

નાની રકમ સાથે લાંબા ગાળાના રોકાણનો બહેતર માર્ગ કયો છે?

એસઆઇપી (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) નાની રકમ સાથે ફન્ડની યોજનામાં રોકાણ કરવાનો સરળ માર્ગ છે. આમાં ઘણી વરાઇટી ઉપલબ્ધ છે. દરેક નોકરિયાત વ્યક્તિનું એસઆઇપીમાં રોકાણ હોવું જ જોઈએ, જેને તે ભવિષ્યમાં ઇમર્જન્સી વખતે ઉપાડી શકે યા પોતાની નિવૃ‌િત્ત માટે રાખી શકે. આમાં મિનિમમ પાંચસો રૂપિયા સાથે પણ નિયમિત રોકાણ થઈ શકે છે.