યુરો ઝોનનું ઇન્ફ્લેશન ૧૩ વર્ષ અને કૅનેડાનું ૧૮ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનું પાંચ મહિનાની ટોચે

0
12

અમેરિકા, ચીન સહિત અનેક દેશોના ઇન્ફ્લેશન મલ્ટિયર હાઈ લેવલે પહોંચ્યા હતા, આ સિલસિલો હજી પણ આગળ વધી રહ્યો છે. યુરો એરિયાનું ઇન્ફ્લેશન ૧૩ વર્ષ અને કૅનેડાનું ઇન્ફ્લેશન ૧૮ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનું વર્લ્ડ માર્કેટમાં પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૮૨ રૂપિયા વધ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૬૭ રૂપિયા ઘટી હતી.
વર્લ્ડમાં અમેરિકા સહિત અનેક દેશોમાં સતત વધી રહેલા કોરોનાના કેસને કારણે ટેપરિંગમાં ઘટાડો કરવા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવા બાબતે અનિશ્ચિતતા સતત વધી રહી હોવાથી સોનામાં તેજીની સતત આગેકૂચ જોવા મળી રહી છે. વર્લ્ડ માર્કેટમાં બુધવારે સોનું પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા બાદ ગુરુવારે આખો દિવસ સ્થિર રહ્યું હતું. સોનું વધતાં એના સથવારે પ્લૅટિનમ અને પેલેડિયમ બંને વધ્યું હતું, પણ ચાંદી ઘટી હતી.
યુરો એરિયાનું ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં વધીને ૧૩ વર્ષની ઊંચાઈએ ૪.૧ ટકાએ પહોંચ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૩.૪ ટકા હતું, ઑક્ટોબરમાં એનર્જી કોસ્ટમાં ૨૩.૭ ટકાનો અને સર્વિસીઝમાં ૨.૧ ટકાનો વધારો નોંધાયો હતો. જોકે યુરો એરિયામાં કન્સ્ટ્રક્શન્સ આઉટપુટ સપ્ટેમ્બરમાં ૧.૫ ટકા વધ્યું હતું જે ઑગસ્ટમાં ૨.૬ ટકા ઘટ્યું હતું.
કૅનેડાનું ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં વધીને ૧૮ વર્ષની ઊંચાઈએ ૪.૭ ટકાએ પહોંચ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૪.૪૪ ટકા હતું, ઑક્ટોબર મહિનામાં એનર્જી કોસ્ટમાં ૨૫.૫ ટકાનો વધારો અને ફૂડ પ્રાઇસમાં વધારો થતાં ઇન્ફ્લેશનમાં ઉછાળો નોંધાયો હતો. અમેરિકાનો હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં ૦.૭ ટકા ઘટ્યો હતો જે સતત બીજે મહિને ઘટ્યો હતો. અમેરિકન બિલ્ડિંગ પરમિટ્સમાં ઑક્ટોબરમાં ચાર ટકાનો વધારો થયો હતો. અમેરિકામાં ૧૨ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન મૉર્ગેજ ઍપ્લિકેશન ૨.૮ ટકા ઘટી હતી જે અગાઉના સપ્તાહમાં ૫.૫ ટકા વધી હતી. રશિયાનો ગ્રોથ રેટ થર્ડ ક્વૉર્ટરમાં ઘટીને ૪.૩ ટકાએ પહોંચ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૧૦.૫ ટકા હતો અને માર્કેટની ૪.૬ ટકાની ધારણા કરતાં પણ નીચો રહ્યો હતો. આઇસલૅન્ડની સેન્ટ્રલ બૅન્કે ૫૦ બેઝિસ પૉઇન્ટનો વધારો કરીને ઇન્ટરેસ્ટ રેટને બે ટકા કર્યા હતા. ઑક્ટોબર મહિનામાં ઇન્ફ્લેશનમાં મોટો વધારો થતાં સેન્ટ્રલ બૅન્કને ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ફરજ પડી હતી. યુરોપિયન દેશ ઑસ્ટ્રિયાનું ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં વધીને ૧૩ વર્ષની ઊંચાઈએ ૩.૭ ટકાએ પહોંચ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૩.૩ ટકા હતું. યુરો એરિયા, કૅનેડા અને ઑસ્ટ્રિયાનું ઇન્ફ્લેશન મલ્ટિયર હાઈ લેવલે પહોંચતાં સોનાની તેજીને સપોર્ટ મળ્યો હતો.

વર્લ્ડના તમામ દેશોના ઇન્ફ્લેશન મલ્ટિયર હાઈ સપાટીએ પહોંચી ચૂક્યા છે ત્યારે દરેક દેશની સેન્ટ્રલ બૅન્કો ઇન્ફ્લેશનના વધારાને રોકવા અસમર્થ છે, કારણ કે કોરોનાના કેસ હજી પણ અનેક દેશોમાં કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આ સંજોગોમાં સેન્ટ્રલ બૅન્ક ઇઝી મૉનિટરી પૉલિસીને ટાઇટ કરે તો ઇકૉનૉમિક ગ્રોથ ગબડી પડે એવી શક્યતા હોવાથી ઇન્ફ્લેશનના વધારા સામે સેન્ટ્રલ બૅન્ક લાચાર હોવાથી સોનું સતત વધી રહ્યું છે. અમેરિકામાં હજી રોજના એક લાખ કરતાં કોરોનાના નવા કેસ નીકળી રહ્યા છે, બુધવારે અમેરિકામાં ૧.૦૪ લાખ નવા કેસ નીકળ્યા હતા. આ ઉપરાંત બ્રિટનમાં ૩૮,૨૬૩, રશિયામાં ૩૬,૬૨૬, જર્મનીમાં ૬૦,૭૫૩, પોલૅન્ડમાં ૨૪,૨૩૯, નેધરલૅન્ડમાં ૨૦,૭૬૦, ચેકિયામાં ૨૨,૫૧૧ અને બેલ્જિયમમાં ૧૨,૩૮૮ નવા કેસ નીકળ્યા હતા. બેલ્જિયમે વર્ક ફ્રૉમ હોમ કરીને સંપૂર્ણ લૉકડાઉન લાદી દીધું હતું. આમ, એક તરફ કોરોનાનો વધી રહેલો કેર અને એની સામે ઇન્ફ્લેશન સતત વધી રહ્યું હોવાથી સોનાને ડબલ બેનિફિટ મળી રહ્યો છે. કોરોનાના વધી રહેલા કેસને કારણે સોનાનું સેફ હેવન સ્ટેટસ મજબૂત બની રહ્યું છે અને સોનું ઇન્ફ્લેશનના વધારા સામે બેસ્ટ હેજિંગ ટુલ્સ હોવાથી સોનામાં ખરીદીનું આકર્ષણ વધી રહ્યું છે. અમેરિકામાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે જો ઇકૉનૉમિક ડેટા નબળા આવશે તો ફેડ ધારણા પ્રમાણે ટેપરિંગ આગળ વધારી શકશે નહીં, જે સોનાની તેજી માટે નવું કારણ બનશે. આમ સોનામાં તેજીનાં ફંડામેન્ટ્સ સતત
મજબૂત બની રહ્યાં હોવાથી શૉર્ટથી મીડિયમ ટર્મ પ્રોસ્પેક્ટસ મોટી તેજીના બની રહ્યા છે.