યોગી સરકાર ઝુકી: રાહુલ-પ્રિયંકાને લખીમપુર જવા મંજુરી

0
19

વિવાદ બાદ રાહુલનાં ખાસ વિમાનને પણ ઉડાનની મંજુરી

 પ્રિયંકાનો પણ બિનશરતી છૂટકારો : રાહુલ દિલ્હીથી પંજાબ-છતીસગઢનાં મુખ્યમંત્રી સાથે લખનૌ પહોંચ્યા:‘આપ’નાં સંજયસિંહ પણ લખીમપુર જવા રવાના

ખેડુત આંદોલન અને અત્યાચારના નવા કેન્દ્ર બનેલા ઉતરપ્રદેશનાં લખીમપુર ખીરી જવા ઉતરપ્રદેશની યોગી આદીત્યનાથ સરકારે રાહુલ ગાંધી સહિત પાંચ નેતાઓને મંજુરી આપતાં સમગ્ર તનાવ હવે શાંત થાય તેવા સંકેત છે.

છેલ્લા બે દિવસથી કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ લખીમપુર પહોંચવા માટે કરેલા પ્રયાસો યોગી સરકારે નિષ્ફળ બનાવીને પ્રિયંકાને સીતાપુર પાસે ‘કેદ’ કરી બાદમાં તેમની વિધીવત ધરપકડ કરી હતી પણ આજે હવે તેમને મુકત કરવામાં આવે તેવી શકયતા છે.

જોકે પ્રિયંકાએ ખુદે જામીન બોન્ડ ભરવાનો ઈન્કાર કર્યો છે તો બીજી તરફ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દિલ્હીથી લખીમપુર જવા ખાસ વિમાનમાં રવાના થયા હતા. એક તબકકે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ તેમના વિમાનની ઉડાન અને લખનૌ એરપોર્ટ પર લેન્ડીંગ કરવાની મંજુરીનો ઈન્કાર કર્યો હતો પણ બાદમાં કોંગ્રેસ પક્ષે તિવ્ર વિરોધ કરતા છુટ અપાઈ હતી. તેમની સાથે છતીસગઢનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બુધેલ તથા પંજાબનાં મુખ્યમંત્રી શ્રી ચરણજીતસિંઘ ચન્ની પણ લખનૌ પહોંચી રહ્યા છે તેથી આ ત્રણ નેતાઓ ઉપરાંત પ્રિયંકા ગાંધી તથા આમ આદમી પાર્ટીનાં સાંસદ સંજયસિંહને લખીમપુર જવાની છુટ અપાશે તે નિશ્ર્ચિત છે અને તેઓ અહીના અસરગ્રસ્ત ખેડુતોને પણ મળશે.

સુત્રોના જણાવ્યા મુજબ રાહુલ-પ્રિયંકાની આ મુલાકાત પૂર્વે જબરો બંદોબસ્ત લાદી દેવાયો છે અને પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ પણ લખીમપુર પહોંચી ગયા છે.બીજી તરફ ગઈકાલ રાત્રીથી અટકાયતમાં રહેલા સંજયસિંહને પણ આજે મુકત કરાયા છે અને તેઓ પણ લખીમપુર જવા રવાના થયા છે.