રાત્રિકફર્યુને કારણે લગ્નગાળા અને હોટેલ-રેસ્ટોરન્ટ વ્યવસાયને ફરી ‘ગ્રહણ’ લાગશે !

0
68

રાત્રે 10 વાગ્યાથી કફર્યુ અમલી બની જતાં દોઢેક મહિનાથી માંડ પાટે ચડવા જઈ રહેલા હોટેલ-રેસ્ટોરન્ટ વ્યવસાયને ફરી લાગી જશે બ્રેક: લગ્ન પ્રસંગોમાં પણ ફેરફાર કરવો પડી શકે : ચૂંટણી, ક્રિકેટ મેચ સહિતના કાર્યક્રમો થકી કોરોનાને બેફામ થવા દીધો અને હવે તેને કાબૂમાં લેવા માટે તંત્રએ લાગુ કરેલા નિર્ણયથી લોકરોષ ભભૂક્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જીતવા માટે રાજકીય પક્ષો દ્વારા કરાયેલા તાયફાઓ બાદ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ટી-20 શ્રેણીમાં લાખો લોકોને એક જ સ્થળે એકઠા કરવાને કારણે ગુજરાતમાં કોરોનાને પગ ફેલાવવા માટે ફરી મોકળું મેદાન મળી ગયું હોવાથી કેસમાં ચિંતાજનક હદે વધારો થવા લાગ્યો છે. કોરોનાએ ફરી માથું ઉંચકતાં સરકાર દ્વારા રાત્રે 10 વાગ્યાથી લઈ સવારે 6 વાગ્યા સુધી રાત્રિકર્ફયુ અમલી બનાવી દીધો છે. જો કે આ નિર્ણયને કારણે લગ્નગાળાને તેની માઠી અસર પહોંચશે તો છેલ્લા દોઢ મહિનાથી માંડ માંડ પાટે ચડી રહેલો હોટેલ-રેસ્ટોરન્ટ વ્યવસ્થા ફરી ઠપ્પ થઈ જશે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.


હોળાષ્ટક પૂર્ણ થયા બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિનાથી લગ્નની સીઝન પૂરબહારમાં ખીલવાની છે પરંતુ અત્યારે સ્થિતિને જોતાં એપ્રિલ મહિનામાં પણ રાત્રિકર્ફયુ અમલી જ રહે તેવી શક્યતા નકારી શકાતી નથી જેના કારણે લગ્નગાળા ઉપર પણ તેની માઠી અસર પડવાની છે. લગ્નગાળા થકી હજારો લોકોને રોજગારી મળી રહી હોય ફરી તેમની રોજીરોટીનો સવાલ ઉપસ્થિત થશે તો રાત્રિકફર્યુને કારણે અનેક પરિવારોએ લગ્નપ્રસંગના સમયમાં ફેરફાર કરવો પડશે.


આ ઉપરાંત છેલ્લા દોઢેક મહિનાથી શહેરમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફયુ અમલી બનાવવામાં આવતાં રેસ્ટોરન્ટ વ્યવસાયના જીવમાં જીવ આવ્યો હતો પરંતુ ફરી કર્ફયુ અમલી બનાવી દેમાં આવતાં આ વ્યવસાયને ફરી જબ્બર અસર પહોંચશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એકંદરે રાત્રિકર્ફયુની સૌથી વધુ અસર આ વ્યવસાયને પહોંચશે.


અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ચૂંટણીઓ હતી એટલે જાણે કે કોરોના હોય જ તેવી રીતે કર્ફયુ સહિતના નિયમોની દરકાર લેવામાં આવી નહોતી જેના કારણે કોરોના દિવસે ઓછો અને રાત્રે વધુ વકરવા લાગ્યો હતો. જો કે આ દોઢ મહિનામાં કોરોનાએ બેફામ બની જઈ ફરી લોકોને રંજાડવાનું શરૂ કરી દેતાં હવે સરકારને પ્રજાની ચિંતા થઈ રહી હોય તેવી રીતે રાત્રિકર્ફયુ અમલી બનાવી દેવાતાં લોકરોષ પણ ભભૂકી ઉઠ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here