લખીમપુરહિંસા-સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રાકેશ જૈનને તપાસ સોંપી

0
16

લખીમપુર હિંસા કેસમાં બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે કેસની તપાસની દેખરેખ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ જજ રાકેશ કુમાર જૈનની નિમણૂક કરી છે. “ન્યાય અને સ્વતંત્ર તપાસ સુનિશ્ચિત કરવા માટે આ જરૂરી છે.” એમ સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું હતું.

આ સિવાય યુપી એસઆઈટી ટીમમાં ત્રણ આઈપીએસ અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અધિકારીઓમાં એસબી શિરોડકર, દીપેન્દ્ર સિંહ અને પદ્મજા ચૌહાણ છે. કોર્ટ ચાર્જશીટ દાખલ કર્યા બાદ અને જસ્ટિસ રાકેશ જૈનના રિપોર્ટ બાદ આ મામલે સુનાવણી કરશે.

લખીમપુર હિંસા કેસની છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે “આ મામલામાં સીટ તપાસ પર કોઈ ભરોસો નથી. આવી સ્થિતિમાં તપાસની દેખરેખ માટે હાઈકોર્ટના જજની નિમણૂક જરૂરી છે.” તે જ સમયે “કોર્ટે કહ્યું હતું કે અમને એ જણાવતા દુઃખ થાય છે કે પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે 2 એફઆઈઆરમાં ઓવરલેપ કરીને કોઈ ચોક્કસ આરોપીને ફાયદો આપવામાં આવી રહ્યો છે. તેના બચાવમાં પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.”

ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું હતું કે “આ મામલાની તપાસ કરી રહેલી સીટ બે એફઆઈઆર વચ્ચે તફાવત કરી શકતી નથી.” સુપ્રીમ કોર્ટે કહ્યું કે “બંને એફઆઈ આર ની અલગ-અલગ તપાસ થવી જોઈએ. અલગ ચાર્જશીટ દાખલ કરવી જોઈએ. કોઈપણ પ્રકારની મૂંઝવણ ન રાખો.”