લખીમપુર હિંસા: પ્રિયંકા ગાંધી અટકાયત બાદ હાથમાં સાવરણી લઈ રુમ સાફ કર્યો

0
25

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં રવિવારે ખેડૂતોના વિરોધ દરમિયાન થયેલી હિંસામાં આઠ લોકોના મોત થયા હતા.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સફાઈ કરતા જોવા મળી રહ્યાં છે. પ્રિયંકા ગાંધી યુપી પોલીસની કસ્ટડીમાં છે, તે પોતે ગેસ્ટ હાઉસમાં જ્યાં તેને રાખવામાં આવ્યા છે ત્યાં રૂમ સાફ કરતા જોવા મળ્યા હતા. પ્રિયંકાની યુપી પોલીસે આજે વહેલી સવારે અટકાયત કરી હતી. પ્રિયંકા ગાંધીને સીતાપુરમાં રાખવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીએ સાવરણી વડે અટકાયતનો વિરોધ કર્યો હતો.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં રવિવારે ખેડૂતોના વિરોધ દરમિયાન થયેલી હિંસામાં આઠ લોકોના મોત થયા હતા. મૃતકોમાં 4 ખેડૂતો, 3 ભાજપના કાર્યકરો અને 1 ભાજપ નેતાનો ડ્રાઈવર છે. આ દરમિયાન ઉત્તરપ્રદેશનું રાજકારણ લખીમપુર મામલે ગરમાયું છે અને વિવિધ પક્ષોના નેતાઓ લખીમપુર ખીરી આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુપી પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે, જ્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમની ધરપકડ કરવામાં આવી છે.

પ્રિયંકા ગાંધીને પોલીસ લાઇનમાં લઇ જવામાં આવ્યા
પ્રિયંકા ગાંધી ગઈ કાલે રાત્રે લખનઉથી લખીમપુર જવા રવાના થયા હતા. પ્રિયંકા ગાંધી વાડ્રાનો કાફલો પોલીસને ચકમો આપીને લખીમપુર જવા રવાના થયો હતો. બાદમાં પોલીસે સીતાપુરના હરગાંવમાંથી પ્રિયંકાને કસ્ટડીમાં લીધા અને તેને પોલીસ લાઇનમાં લઇ જવામાં આવ્યાં. આ સાથે કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

આ દરમિયાન યુપી કોંગ્રેસે દાવો કર્યો કે, `પ્રિયંકા ગાંધીની હરગાંવથી ધરપકડ કરવામાં આવી રહી છે અને સીતાપુર પોલીસ લાઇનમાં લઈ જવામાં આવી રહ્યા છે, કૃપા કરીને દરેક લોકો પહોંચો.` જ્યારે યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસે ટ્વિટ કરીને કહ્યું, `છેવટે શું થયું, જે ભાજપ પાસેથી અપેક્ષિત હતું. મહાત્મા ગાંધીના લોકશાહી દેશમાં, `ગોડસે`ના ઉપાસકોએ અમારા નેતા પ્રિયંકા ગાંધીજીની હરગાંવથી ધરપકડ કરી, અન્નદાતાઓને મળવા જતા, ભારે વરસાદ અને પોલીસ દળ સામે લડતા. આ માત્ર લડાઈની શરૂઆત છે !! કિસાન એકતા ઝિંદાબાદ.`

ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ગઈકાલે રાત્રે લખીમપુર ખેરી મામલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. યુપીના ડીજીપી અને અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થી પણ બેઠકમાં હાજર હતા. CM યોગીએ હિંસા પર દુ:ખ વ્યક્ત કરતા નિવેદન જારી કર્યું છે અને કહ્યું છે કે તપાસ થશે અને દોષિતોને છોડવામાં આવશે નહીં. CM યોગીએ લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈ ભ્રમણામાં ન ફસાય. હિંસા બાદ લખીમપુરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટે તેને નકારી કાઢયો હતો.