સમસ્ત ભારતમાં ૩૫ આગમ મંદિરનું નિર્માણ કરનારા પૂ. દોલતસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ આયુષ્યનાં ૧૦૦ વર્ષ પૂરાં કરશે

0
25

સમસ્ત ભારતમાં ૩૫ આગમ મંદિરનું નિર્માણ કરનારા પૂ. દોલતસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ આયુષ્યનાં ૧૦૦ વર્ષ પૂરાં કરી રહ્યા છે : પટેલ પરિવારના આ પુત્ર અર્વાચીન જૈન તવારીખમાં દીર્ઘાયુષી આચાર્ય તો છે જ, સાથે ૮૩ વર્ષનું સંયમ જીવન ધરાવે છે

૩૦ સપ્ટેમ્બર, ૧૯૨૧ના રોજ મહેસાણા પાસે આવેલા નાનકડા જેતપુર ગામમાં ગલદાસભાઈ પટેલનાં પત્ની દિવાળીબેનની કૂખે પુત્ર જન્મ્યો. પાટલીપુત્ર જન્મતાં વડીલો અને માતા-પિતાએ આશીર્વાદ આપ્યા, ‘૧૦૦ વર્ષનો થજે અને ખૂબ પ્રગતિ કરજે.’પરિવારજનો અને વડીલોના એ શુભાશિષ બાળ શંકરને એવા ફળ્યા કે ખરેખર સુવિશાલ સાગર સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય દોલતસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે ૩૦ સપ્ટેમ્બરે ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં અને ભારતવર્ષમાં ૩૫ આગમ મંદિર (જૈનાના અતિ મૂલ્યવાન ગ્રંથો ૪૫ આગમ જેમાં સ્થાપિત હોય એવાં દેરાસરો)નું નિર્માણ કરી જૈનધર્મીઓને ૪૫ આગમનાં દર્શન સુલભ કરવામાં ઉલ્લેખનીય પ્રગતિ કરી.

તમે કોઈ જૈન ઉપાશ્રયમાં દીર્ઘાયુષી સાધુ-મહાત્માને ચશ્માં વગર અને ટેકા વગર બેસીને ધર્મગ્રંથનું વાંચન કરતા જુઓ કે પીળા રંગની નવકારવાળી (માળા) ફેરવતા જુઓ તો સમજી જજો કે તે જૈન ધર્મના સમતા તીર્થરૂપી શતાયુષી દોલતસાગરસૂરિ મહારાજ છે. દીર્ઘ સંયમ જીવન ધરાવતા આ આચાર્ય મહારાજને ૧૦૦ વર્ષ થયાં એના ઉપલક્ષમાં મુંબઈ અને ગુજરાત સહિત ભારતના અનેક જૈન સંઘોમાં ૧, ૩, ૫, ૭ દિવસોના મહોત્સવ ચાલી રહ્યા છે. પુણેના કાત્રજમાં આવેલા સુવર્ણ આગમ મંદિરમાં ચાતુર્માસાર્થે બિરાજમાન દોલતસાગરસૂરિ મ.સા.ના સહવાસી આ. હર્ષસાગરસૂરિ મ.સા. કહે છે, ‘ગચ્છાધિપતિનાં ૧૦૦ વર્ષ પૂરાં થવા નિમિત્તે તો સમસ્ત જૈન ભાવિકોને આંનદ છે જ, સાથે સાડાસાત દાયકાથી વધુ સમય તેમણે કરેલી ૪૫ આગમોની સેવા, એની આરાધના અને સંવર્ધનના કાર્યના ઋણરૂપે અનેક સંઘોમાં સાધુ-સાધ્વીઓ, શ્રાવકો-શ્રાવિકાઓ ધર્મ, તપ, અધ્યયન, જપ વગેરે અનુષ્ઠાનો કરી રહ્યાં છે. જન્મે જૈન ન હોવા છતાં પ્રભુ વીરની વાણી આલેખાયેલા ૪૫ આગમોને સુલભ કરાવવા પૂજ્યશ્રીએ પોતાનું આખું આયખું ખર્ચી નાખ્યું છે.’

શાળાકીય ૬ ધોરણ ભણતા ગુરુમહારાજ પિતાને ખેતીમાં મદદરૂપ થતા. છતાં પણ ખેતીની આવક ઓછી અને પરિવાર મોટો એટલે કમાવા માટે જેતપુરથી અમદાવાદ એક જૈન શેઠાણીના ઘરે ઘરકામ અર્થે આવ્યા. તે ચંપાબહેને પૂજ્યશ્રીને નવકાર શીખવ્યો તથા જૈન ધર્મનું થોડંઅ જ્ઞાન આપ્યું. થોડા વખત પછી બીજે કામ મળ્યું, જ્યાં એક જૈન ગોઠિયો મળ્યો. સાથે કામ કરે, હરે-ફરે અને તેની સાથે સામાયિક-પ્રતિક્રમણ કરવા જાય. ત્યાં તેમને પૂજ્ય દેવેન્દ્રસાગરસૂરિ મ.સા.નો પરિચય થયો. કિશોર શંકરને જૈન ધર્મમાં રસ પડવા લાગ્યો અને શ્રદ્ધા વધવા લાગી. ત્યાં પેલા જૈન ગોઠિયાની દીક્ષા નક્કી થઈ જે હિમાંશુસાગર મ.સા. બન્યા અને શંકરે પણ પોતાના કુટુંબીજનોથી છુપાઈને દીક્ષા લીધી. ૧૮ વર્ષના શંકરને ખબર હતી કે પરિવાર દીક્ષા માટે રજા નહીં જ આપે. આથી કોઈને જાણ ન થાય એ માટે છુપાઈને દીક્ષા લીધી. જોકે આ વાત છાની રહી નહીં અને જેતપુરના ગ્રામ્યજનો તેમને પાછા ગામડે લઈ ગયા.’

જોકે શંકરને જૈન ધર્મની માયા લાગી ગઈ હતી એ કેમેય છૂટે એમ નહોતી. એટલે બે દિવસ બાદ ફરીથી તેઓ ગામથી ભાગી ગયા અને આનંદસાગર મ.સા. પાસે દીક્ષા લીધી. આજે વિચારીએ કે ૧૯૩૮-’૩૯ની સાલ, ભારતની આઝાદી પહેલાં વાહનવ્યવહારનાં જ્યાં કોઈ સાધનો નહોતાં, કમ્યુનિકેશનનાં માધ્યમો નહોતાં ત્યારે રાત્રે ગામડેથી ભાગી જઈને અમદાવાદ આવવું, ગુરુ પાસે દીક્ષા લેવી એ કોઈ કાચાપોચાનું કામ તો નહોતું જ. જોકે પાટીદાર બચ્ચો પાણીદાર જ હોય એ ન્યાયે તેઓ ચારિત્ર અંગીકાર કરીને જ જંપ્યા. ૧૮ વર્ષે દીક્ષિત થયેલા દોલતસાગર મુનિ જૈન શાસ્ત્રો ભણતા, ગુરુજનોની સેવા કરતા-કરતા સંયમ જીવનમાં આગળ વધી રહ્યા હતા  ત્યાં ૨૫ વર્ષની ઉંમરે તેમના જીવનમાં ટર્નિંગ પૉઇન્ટ આવ્યો. વિનીતસાગર મ.સા. આગળ કહે છે, ‘ભારતનું પ્રથમ આગમમંદિર પાલિતાણામાં તૈયાર થઈ રહ્યું હતું. એના નિર્માણકર્તા આંદનસાગરસૂરિ મ.સા. ત્યાં હતા. જ્યાં દોલતસાગર મુનિ પહોંચ્યા અને પૂજ્યશ્રીને પૂછ્યું કે આ જિનાલય કેમ અતિ મહત્ત્વનું છે? ત્યારે આંનદસાગરસૂરિ મ.સા.એ કહ્યું કે ‘45 આગમો ભેગા કરતાં મને ૬૦ વર્ષ લાગ્યાં છે. જિનશાસનનો આ અમૂલ્ય વારસો જ્યાં-ત્યાં, જેમ-તેમ, જીર્ણ-શીર્ણ અવસ્થામાં પડ્યો હતો તે મેળવવા ખૂબ મહેનત કરી છે. હવે આગામી સમયમાં જો આ પ્રતો ખોવાઈ કે વિખેરાઈ જશે તો જૈન ધર્મને ખૂબ મોટી ખોટ પડશે.’

આ સાંભળતાં દોલતસાગર મુનિએ નક્કી કર્યું કે હવે આગમની સેવા, શુષૂષા, સંવર્ધન એ જ મારું મિશન. એ ઘડી અને એ દિવસથી દોલતસાગર મહારાજે પોતાના સમુદાયના સાધુઓની મદદથી ભારતભરમાં પંચાગીય આગમનાં બે ઉપરાંત બીજા ૩૫ આગમ મંદિરોનું નિર્માણ કર્યું છે તેમ જ ૧૮૦ જિનાલયોમાં ૪૫ આગમો દર્શનાર્થે મૂક્યા છે. જૈન ધર્મની આ સોથી મોટી સેવા, સાધના છે.

અત્યંત લો-પ્રોફાઇલ રહેતા આ ગચ્છાધિપતિએ ખુદ અનેક આગમના પાઠ કંઠસ્થ કર્યા છે. હાલમાં થોડો ઑલ્ઝાઇમર્સનો પ્રૉબ્લેમ થવાથી ક્યારેક થોડી ક્ષણો માટે વિસ્મૃતિ થઈ જાય. બાકી આજે પણ ૯૮ ટકા ગાથાઓ તેમને મોઢે છે. એટલું જ નહીં, તેમના જીવનના કે અન્ય મોટા પ્રસંગો તેમને વાર, તારીખ, સમય, સ્થળ સહિત યાદ છે. ૯૨૫ સાધુ-સાધ્વીજીના વડેરા સાધુને જૈન સંઘો જિન આગમસેવીના ઉપનામે જાણે છે. ગુજરાતી તિથિ પ્રમાણે ભાદરવા વદ ૧૪ એટલે પાંચમી ઑક્ટોબરે પૂજ્ય શ્રીના જન્મદિવસે સમસ્ત જૈન સંઘમાં આરાધનાનાં અવનવાં અનુષ્ઠાન થશે.

 

પૂજ્ય ગચ્છાધિપતિ મહારાજના શતાબ્દી નિમિત્તે ગયા વર્ષથી અનેક ઉજવણીઓ ચાલી રહી છે.જિનશાસનના યુગપ્રભાવક આચાર્ય દોલતસાગરસૂરીશ્વરજી મહારાજના શતાબ્દીવર્ષ નિમિત્તે પૂજ્યશ્રીનો આખો સમુદાય વિવિધ તપ-જપ-ક્રિયા-જ્ઞાન ઉપાગમ, પ્રભુભક્તિનાં વિવિધ કાર્યો કરી રહ્યો છે. ૯૧ વર્ષનાં વયોવૃદ્ધ સાધ્વીજી મહારાજ છેલ્લા ૯૫ દિવસથી દરરોજ પ્રભુને ૧૦૦ પ્રદક્ષિણા આપે છે તો એક સાધ્વીજી મ.સા.એ ૧૧૦૦ આયંબિલ કરવાનો પ્રાંરભ કર્યો છે. ૭૦ વર્ષના વૃદ્ધ મુનિવર એક આખા વર્ષના આયંબિલ કરી રહ્યા છે તો દરરોજની ૧૦૦ ગાથા નવી ગોખવાનો સંકલ્પ કરનારાં સાધુ-સાધ્વી પણ અનેક છે. પૂજ્યશ્રીના જ્ઞાનપ્રેમને કારણે અનેક શ્રમણો-શ્રમણીઓ ૪૫ આગમો સંપાદન કરાવવાનું, ૧૦ હજાર શ્લોક પ્રમાણ સંપાદન કરવાનું ભગીરથ કાર્ય કરી ગચ્છાધિપતિ ગુરુમહારાજને સર્મપિત કરશે.