સિંહ રમ્યો રસ્સીખેંચની રમત

0
27

આ રમત જીતવા માટે એણે દોરડાને એક ઝાડ સાથે વીંટાળવાનો પ્રયત્ન કર્યો. જીપ આગળ વધવા માંડી તો પણ સિંહ દોરડાને છોડવા તૈયાર નહોતો. એ પણ દોરડા સાથે ઢસડાતો હતો.

તાજેતરમાં એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં જંગલનો રાજા સિંહ એક ટૂર-ગાઇડ સાથે રસ્સીખેંચની રમત રમી રહ્યો છે. આ મજેદાર ઘટના સાઉથ આફ્રિકાના જંગલમાં ૧૮ નવેમ્બરે બની છે. જાણે કોઈ મોટી બિલાડી એક રમકડા સાથે રમતી હોય એવી એ ઘટના હતી. ટૂર-ગાઇડ સલિન્ડાને તેના સહ-કર્મચારીઓએ સિંહ આસપાસ ફરી રહ્યા હોવાની સૂચના આપી હતી છતાં પ્રવાસીઓને સિંહ નજીકથી જોવા મળે એ માટે તે પોતાની જીપ ત્યાં લઈ ગયો. જોકે ત્યાં તેની જીપ મેદાનમાં ફસાઈ જતાં દોરડા વડે એને બહાર કાઢવાનો પ્રયાસ કરતો હતો એટલામાં ત્યાં એક સિંહ આવી ગયો અને એ દોરડાના એક છેડાને પોતાના મોઢામાં લઈને ખેંચવા લાગ્યો. આ રમત જીતવા માટે એણે દોરડાને એક ઝાડ સાથે વીંટાળવાનો પ્રયત્ન કર્યો. જીપ આગળ વધવા માંડી તો પણ સિંહ દોરડાને છોડવા તૈયાર નહોતો. એ પણ દોરડા સાથે ઢસડાતો હતો. છેલ્લાં ૧૯ વર્ષથી ટૂર-ગાઇડ તરીકે કામ કરનાર સલિન્ડાએ આવો અનુભવ ક્યારેય કર્યો નહોતો. જો સિંહને આ જ રીતે દોરડામાં રસ પડશે તો એ જીપની વધુ ને વધુ નજીક આવશે. વળી એ વીફર્યો તો પ્રવાસીઓ માટે પણ ચિંતાજનક વાત હશે. આખરે આ રસ્સીખેંચની રમતનો અચાનક અંત આવ્યો હતો, કારણ કે નજીકથી સિંહણનું ટોળું ત્યાંથી પસાર થતું હતું એ જોઈને સિંહે મોઢામાં પકડી રાખેલું દોરડું છોડી દઈને એમની સાથે જોડાઈ ગયો હતો.