સુપ્રીમે યુપીને કહ્યું, લખીમપુર ખૈરી કેસની તપાસ-ટીમને ‘અપગ્રેડ’ કરો

0
15

ઉત્તર પ્રદેશ સરકારે લખીમપુર ખૈરી હિંસાની રાજ્યની એસઆઇટી દ્વારા થતી તપાસનું રોજેરોજ સુપરવિઝન કરવા માટે ભૂતપૂર્વ જજની નિમણૂક કરવાના સુપ્રીમ કોર્ટના સજેશન બાબતે ગઈ કાલે સંમતિ દાખવી હતી. ત્રીજી ઑક્ટોબરે બનેલી હિંસાની આ ઘટનામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ચીફ જસ્ટિસ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે એસઆઇટીની તપાસમાં ઊતરતી રૅન્કના પોલીસ-ઑફિસર્સને સામેલ કરવાનો ઇશ્યુ પણ ઉઠાવ્યો હતો. સાથે જ અદાલતે આ ઇન્વેસ્ટિગેશનની ટીમમાં સામેલ કરવા માટે યુપી કેડરના હોય, પરંતુ આ રાજ્યના મૂળ વતની ન હોય એવા આઇપીએસ ઑફિસર્સનાં નામ પણ મગાવ્યાં હતાં.
બેન્ચે જણાવ્યું હતું કે અદાલતે સંબંધિત જજની સંમતિ મેળવવી પડશે અને આ સનસનાટીભર્યા કેસમાં તપાસને મૉનિટર કરવા માટે સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજના નામનો પણ વિચાર કરવામાં આવશે.
આ બાબતે સંમતિ વ્યક્ત કરતાં સિનિયર ઍડ્વોકેટ હરિશ સાલ્વેએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ આ કેસમાં તપાસને મૉનિટર કરવા માટે એની પસંદગીના કોઈ ભૂતપૂર્વ જજની નિમણૂક કરે એ બાબતે રાજ્ય સરકારને કોઈ જ વાંધો નથી. સુપ્રીમ કોર્ટે આઠમી નવેમ્બરે આ કેસમાં તપાસ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો.