સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ : લીલા દુકાળથી ખેતરોને નુકસાન

0
17

ભારે વરસાદથી તેમ જ નદી-નાળાં છલકાતાં ખેતરોમાં પાણી ફરી વળતાં કપાસ, મગફળી, તલ, સોયાબીન સહિતનો ઊભો પાક ધોવાયો

ગુજરાતમાં પડી રહેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિ ઊભી થવા પામી છે. જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદે વિનાશ વેર્યો છે ત્યારે ભારે વરસાદથી તેમ જ નદી-નાળાં છલકાતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે અને કપાસ, મગફળી, તલ, સોયાબીન સહિતનો ઊભો પાક ધોવાયો છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. પહેલાં તો વરસાદ ખેંચાયો હતો અને હવે જતાં-જતાં વરસાદ જાણે કે વિનાશ વેરતો હોય તેમ ધોધમાર વરસાદ પડતાં કંઈ કેટલાય વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિમાં આવી ગયા છે. વિસાવદર, માળિયા હાટીના, તાલાલા, વેરાવળ, ખંભાળિયા, ઉમરાળા, સાવરકુંડલા, લીલિયા, કોડીનાર, સુત્રાપાડા, ઉના, માંગરોળ સહિતના પંથકોનાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. કેટલાક પાક લણવા પર આવ્યા હતા ત્યારે આકાશી આફત આવી અને વરસાદે રસાતાળ કરી દેતાં ખેડૂતો માટે જાણે કે આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ સરજાઈ છે.

સાવરકુંડલાનાધારાસભ્ય પ્રતાપ દુધાતે ને કહ્યું હતું કે ‘ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. નદીકિનારાનાં ગામોને વધારે નુકસાન થયું છે. કપાસ, તલ, મગફળીનો પાક તૈયાર હતો એ ફેલ ગયો છે. અમારા વિસ્તારનાં ૧૧૭ ગામો છે ત્યાં વરસાદ અને પૂરના કારણે ખેતરોમાં નુકસાન થયું છે. સરકારે સાવરકુંડલા અને લીલિયા તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરાવી આર્થિક પૅકેજ જાહેર કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી  માગણી કરી છે.’