સૌરાષ્ટ્રમાં ભાજપની વિજયી આગેકૂચ : કોંગ્રેસે રાજકોટ જિ.પંચાયત, જુનાગઢ, ઉપલેટામાં જોર દેખાડયું : ‘આપ’ આઉટ

0
24

ઓખા નગરપાલિકામાં કમળ ખીલ્યુ : ઝાલાવાડ અને અમરેલી જિલ્લામાં પણ ભાજપના ઉમેદવારોનો વિજય : ત્રાજપરમાં કોંગ્રેસ અને હળવદમાં ભાજપના ઉમેદવાર જીત્યા

સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણીના પરિણામ આજે જાહેર થતા ઓખા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે. તો રાજકોટ જિલ્લાના જસદણની સાણથલી, ઉપલેટા, ઓખામાં એક વોર્ડની બે બેઠક, જુનાગઢ મનપાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે.

એકંદરે સૌરાષ્ટ્રમાં ભાજપનું જોર યથાવત હોવાનું લાગ્યું છે. તો કોંગ્રેસે ગ્રામ્ય કક્ષાએ કેટલીક બેઠકો જીતી છે જયારે આમ આદમી પાર્ટીના ચૂંટણી પરિણામમાં કયાંય દર્શન થયા નથી. આથી હજુ સૌરાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ બે વચ્ચે જ ચૂંટણી લડાતી હોવાનું ચિત્ર દેખાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી અને સુરેન્દ્રનગર પાલિકાની એક એક બેઠક પર ભાજપના ઉમેદવાર જીત્યા છે અને કોંગ્રેસ તથા આપના સુપડા સાફ થયા છે. અમરેલી તાલુકા પંચાયતની સરમભડા બેઠક પર ત્રિપાંખીયા જંગમાં ભાજપના મહિલા ઉમેદવારનો વિજય થતા ભાજપમાં ઉજવણી થઇ છે. તો રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર તથા સાણથલી બંને બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ઉલ્ટાનું સાણથલી બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી છે.

જુનાગઢ મહાપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. જયારે ઓખા નગરપાલિકામાં વિજય સાથે ભાણવડમાં વોર્ડ નં.1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવાર વિજેતા થયા છે. ઉપલેટા પાલિકાના વોર્ડ નં.પની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો વિજય થયો છે.

મોરબીની ત્રાજપર બેઠક પર કોંગ્રેસ અને હળવદની રણછોડનગર બેઠકમાં ભાજપનો વિજય થયો છે અને આપના ઉમેદવારોના પરાજય થયા છે. એકંદરે સૌરાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એકસરખી તાકાત કામે લાગ્યાનું તારણ અને પરિણામ નીકળ્યું છે.