સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 3 દિવસમાં 50 હજાર પ્રવાસી ઉમટયા

0
18

 નવસારીમાં દાંડી અને ઉભરાટના દરિયાકાંઠે સહેલાણીઓએ ઉંટ અને ઘોડેસવારીની મજા માણી, પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિમંદિરની મુલાકાતે પણ દેશ-વિદેશના પ્રવાસીઓ પહોંચ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા 3 દિવસમાં લગભગ 50 હજારથી પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેકટરના જણાવ્યા મુજબ, આજે એક જ દિવસમાં બપોર સુધીમાં 20 હજાર પ્રવાસીઓએ મુલાકાત કરી છે. દિવાળીનું વેકેશન હજુ ચાલુ છે. આગામી સમયમાં 70 હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાત લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અહીં આવનારા પર્યટકો જંગલ સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન સહીતના પ્રોજેક્ટોની પણ મુલાકાત લઈ રહ્યા છે.

કોરોનાનું સંક્રમણ ઘટતા મોટી સંખ્યામાં ગુજરાત તેમજ રાજ્ય બહારના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે. દિવાળી વેકેશન હોવાથી પરિવાર સાથે લોકો સ્ટેચ્યુ તેમજ તેની આસપાસના સ્થળોની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાંથી અમદાવાદ, રાજકોટ અને સુરતના વધુ લોકોનો સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ધસારો જોવા મળી રહ્યો છે.

તહેવારોની રજામાં ગુજરાતના પ્રસિદ્ધ પર્યટન સ્થળો પર પ્રવાસીઓની ભીડ જામી. મોઢેરાનું સૂર્યમંદિર નિહાળવા મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે પહોંચ્યા. સૂર્ય મંદિરનો અદભૂત કલાવારસો નિહાળીને પર્યટકો ખુશખુશાલ થઈ ગયા. જૂનાગઢના સાસણગીરમાં હોટલ અને ફાર્મહાઉસની સાથે જ સિંહ દર્શનનું ઑનલાઈન બુકિંગ હાઉસફૂલ થઈ ગયું. નવસારીમાં દાંડી અને ઉભરાટના દરિયાકાંઠે સહેલાણીઓએ ઉંટ અને ઘોડેસવારીની મજા માણી. પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિમંદિરની મુલાકાતે પણ દેશ-વિદેશના પ્રવાસીઓ પહોંચ્યા.

ભાઈબીજાના દિવસે યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટ્યા. સુદામા સેતુ, દરિયા કિનારે, પંચકુઈ સહિતના વિસ્તારોમાં માનવ મહેરામણ ઉમટ્યું. દિવાળી, બેસતુ વર્ષ અને ભાઈબીજ સહિત તહેવારોની રજા હોવાથી દ્વારકામાં પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ પણ હવે નહીંવત થતાં મોટી સંખ્યામાં લોકોની દ્વારકા સહિતના સ્થળોએ ભીડ જોવા મળી રહી છે.