હિન્દુ ધર્મ અને હિન્દુત્ત્વ અલગ-અલગ : રાહુલ ગાંધી

0
15

શું હિન્દુ ધર્મ કોઈ સિખ કે મુસ્લિમને મારવા વિશે છે?

સલમાન ખુરશીદ અને રાશિદ અલ્વીએ સર્જેલા વિવાદ બાદ હવે કૉન્ગ્રેસ લીડર રાહુલ ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ અને હિન્દુત્ત્વ એ બન્ને અલગ-અલગ બાબત છે. તેમણે આડકતરી રીતે સલમાન ખુરશીદનો બચાવ કર્યો હોય એમ જણાય છે. કેમ કે ખુરશીદના નવા પુસ્તકમાં હિન્દુત્ત્વ વિશેની એક કમેન્ટથી વિવાદ થયો છે. કૉન્ગ્રેસ પાર્ટીના ડિજિટલ કેમ્પેઇન ‘જન જાગરણ અભિયાન’ને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા લૉન્ચ કરતી વખતે શુક્રવારે તેમણે કહ્યું હતું કે ‘હિન્દુ ધર્મ અને હિન્દુત્ત્વ વચ્ચે શું ફરક રહેલો છે, જો તેઓ બન્ને એક જ બાબત હોય તો શા માટે તેમના બન્નેના નામ એક જ નથી? ચોક્કસ જ એ બન્ને અલગ-અલગ બાબત છે. શું હિન્દુ ધર્મ કોઈ સિખ કે મુસ્લિમને મારવા વિશે છે?’ તેમણે વધુ કહ્યું હતું કે ‘આજે આપણને ગમે કે ના ગમે, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બીજેપીની ધિક્કારપૂર્ણ વિચારધારા કૉન્ગ્રેસ પાર્ટીની મમતાળુ અને રાષ્ટ્રવાદી વિચારધારા પર ભારી પડી રહી છે, આપણે આ વાત સ્વીકારવી રહી. કૉન્ગ્રેસની વિચારધારા જીવિત છે, ધબકતી છે, પરંતુ એ ઢંકાઈ ગઈ છે. કેમ કે પાર્ટી આક્રમક રીતે પોતાની વિચારધારા લોકો પાસે લઈ ગઈ નથી.’