થલતેજ, સેટેલાઈટ, જોધપુર સહિત અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોના વકર્યો
રાજ્યમાં કોરોનાના કેસો વધ્યા છે અને સૌથી વધુ કેસો અમદાવાદ શહેરમાં નોંધાયા છે, ત્યારે હાલમાં અમદાવાદમાં કોરોનાના 49 કેસો એક્ટિવ છે. જેમાં સૌથી વધારે કેસો પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. જોધપુર, સેટેલાઈટ, થલતેજ, નવરંગપુરા, વસ્ત્રાપુર, વાસણા, પાલડી વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે.
શહેરમાં વાઈરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ પધારો નોંધાયો છે, સાથે સીઝનલ ફલૂના કેસો વધ્યા છે. જેના કારણે શરદી, ખાંસીના સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જેને પણ શરદી ખાંસી આવતી હોય તેવા લોકો જ્યારે પણ બહાર નીકળે ત્યારે તેઓ માસ્ક પહેરવું હિતાવહ છે.
AMCના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસો જે પહેલા સિંગલ ડિઝિટમાં આવતા હતા. હવે ડબલ ડિજિટમાં આવી રહ્યા છે. રોજના 13થી 14 કેસો નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં કુલ 49 જેટલા કેસો એક્ટિવ છે. તમામ દર્દીઓ હાલમાં ઘરે સારવાર હેઠળ છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના 46 જેટલા કેસો શહેરમાં નોંધાયા છે.
હાલમાં શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસો વધ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટીમાં શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. અંદાજે રોજના 1800 જેટલા દર્દીઓ નોંધાઇ રહ્યા છે. જે પણ લોકોને આવા શરદી અને ઉધરસ હોય તે દર્દીએ ઘરગથ્થુ ઉપચાર કરવો જોઈએ. જેમ કે, ગરમ પાણી પીવું, મીઠાના પાણીના કોગળા કરવા, તેમજ હળદરવાળું દૂધ પીવું વગેરે ઘરગથ્થું ઉપચાર કરવા અને જો વધારે તકલીફ હોય તો નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટરનો સંપર્ક કરવો.
સિઝનલ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં ત્રણ જેટલા કેસો નોંધાયા છે. જેમાં H1N1 અને H3N2 કેસો છે. અમદાવાદમાં જાન્યુઆરી 2023થી 7 માર્ચ 2023 સુધીમાં કુલ 42 જેટલા કેસો નોંધાયા છે. જેમાં H3N2 પ્રકારના કેસો પણ નોંધાયા છે. LG હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં આ પ્રકારની સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું છે.