કર્ણાટકમાં જૈનમુનિનું અપહરણ કરીને ઘાતકી હત્યા કરવામાં આવી
બે આરોપીની ધરપકડ: સમગ્ર જૈન સમાજમાં આક્રોશ,બેલગામ જીલ્લામાં જૈન મુનિ કામકુમાર નંદી મહારાજ ગત બુધવારથી રહસ્યમય રીતે લાપતા બન્યા
કર્ણાટકનાં બેલગામમાં જૈન મુનિનું અપહરણ કર્યા બાદ શરીરના ટુકડા કરીને ઘાતકી હત્યા કરી દેવાતા ખળભળાટ સર્જાયો છે. હત્યારાઓએ હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા જુદા જુદા સ્થળોએ ફેંકી દીધા હતા. આ બેરહેમીપૂર્વકની હત્યાથી સમગ્ર જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. બેલગામ જીલ્લામાં જૈન મુનિ કામકુમાર નંદી મહારાજ ગત બુધવારથી રહસ્યમય રીતે લાપતા બન્યા હતા જેને પગલે તેમના અનુયાયીઓ ગુમ હોવાનો રીપોર્ટ પણ પોલીસમાં નોંધાયો હતો.
અપહરણની આશંકા પણ વ્યકત થઈ હતી જેના આધારે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈ ભાળ મળી ન હતી. આ દરમિયાન હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા જૈન સમાજ અનુયાયીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. હત્યારાઓએ જૈન મુનિનું અપહરણ કરીને બર્બરતાપૂર્વક હત્યા કરી હોય તેમ શરીરના ટુકડા જુદા જુદા સ્થળોએ ફેંકી દીધા હતા. આ ઘાતકી બનાવથી સમગ્ર જૈન સમાજમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી.હત્યાના આ બનાવ તથા જૈન સમાજનાં આક્રોશ વચ્ચે પોલીસે તાબડતોબ તપાસ કરીને એક શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સે જૈન મુનિની હત્યા કરીને લાશ ફેંકી દીધાની કબુલાત આપી હતી.એટલુ જ નહિં બીજા એક સાગ્રીત પણ સામેલ હોવાનો ખુલાસો કરતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. આ હત્યા પાછળના કારણ સહીતનાં મુદાઓ પર પોલીસે તપાસ હાથ ધરી છે.